લોકોમાં રોષ:લખતર સ્ટેશન રોડ પર લાખોનાં ખર્ચે બનેલું નાળું શોભાના ગાંઠિયા સમાન

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વ્રત કરતી બાળાઓને પૂજા કરવા નાળાની બાજુમાં કીચડમાં થઈને જવું પડે છે

લખતર સ્ટેશન રોડ પર આવેલા પોલીસ સ્ટેશન જવા માટે નાળાની જરૂરત હોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા ગ્રામ પંચાયત દ્વારા નાળાનું કામ તો મંજુર કરવામાં આવ્યું. પણ સરકારી નીતિ મુજબ પંચાયતમાં કોઈ ટેક્નિકલ વ્યક્તિ મુકવામાં આવતી ન હોવા છતા બાંધકામ માટે પંચાયત દ્વારા જ કામો કરવાના હોય તો કામો કેવા થાય તેનો નાદાર નમૂનો આ નાળુ પૂરો પાડે છે.

લખતર ગ્રામપંચાયતની ચૂંટણી નજીક હતી. ત્યારે તે સમયના સત્તાધીશો દ્વારા તાત્કાલિક લાખોનાં ખર્ચે નાળું બનાવી નાંખ્યું. પરંતુ આ નાળું તૈયાર થયાને અંદાજે આઠેક મહિના થયા હોવા છતાં તેના પરથી ચાલવા માટેનો કોઈ રસ્તો કરવામાં આવ્યો નથી. કે માટીકામ કરી ઢાળ પણ કરવામાં આવ્યા નથી. જેના કારણે હાલમાં ગૌરીવ્રત ચાલતા હોય બાળાઓને નાળાની બાજુમાંથી કાદવ કીચડ અને ગંદા પાણીમાંથી પસાર થઈને મહાદેવના મંદિરે પૂજન કરવા જવું પડે છે.

જો થોડો વરસાદ થાય તો લગભગ આશરે 500 મીટર ફરીને મંદિર જવું પડે તેવો ઘાટ સર્જાઈ શકે છે. હવે શ્રાવણ મહિનાને ગણ્યા ગાંઠ્યા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે તાત્કાલિક અસરથી આ કામ યોગ્ય કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. આવો ખર્ચ કર્યા પછી પણ પ્રજાની હાલાકી તો જેવી ને તેવી જ રહેતા લોકોમાં રોષ ફેલાયો છે.

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે આ કામ હજી સંપૂર્ણ રીતે પૂર્ણ થયું ન હોવા છતાં તાલુકા પંચાયત બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા સેક્શન ઓફિસરે અધૂરા કામને કેવી રીતે કમ્પલિશન સર્ટિફિકેટ આપ્યું તેવા સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે કામ અધૂરું હોવા છતાં નાણાં કેવી રીતે ચૂકવાયા તેવા સવાલો ઉભા થયા છે.

અન્ય સમાચારો પણ છે...