ઠાકોર સમાજનો નિર્ણય:લગ્નમાં ડીજે, બારમાનો જમણવાર બંધ કરવાનો ઠાકોર સમાજનો નિર્ણય

લખતર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતરના ભૈરવપરામાં ઠાકોર સમાજની બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
લખતરના ભૈરવપરામાં ઠાકોર સમાજની બેઠક યોજાઇ હતી.
  • લખતરમાં ઠાકોર સમાજની બેઠકમાં શિક્ષણનું પ્રમાણ વધારવા સહિતના મુદાની ચર્ચા

લખતર ખાતે ઠાકોર સમાજના આગેવાનોની એક બેઠકનું આયોજન તા.23-11-21ને મંગળવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં સમાજને આગળ લઈ જવાના અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. તો કુરિવાજોમાં સમયાનુસાર બદલાવ કરવા અંગેની ચર્ચાઓ પણ થઈ હતી. જેમાં અમુક નિર્ણયો પણ સમાજે એક થઈને લીધા હતા. લખતર શહેરનાં ભૈરવપરામાં ઠાકોર સમાજની વાડીએ સમાજની એક બેઠક તા.23-11-21ને મંગળવારે યોજવામાં આવી હતી.

આ બેઠકમાં સમગ્ર લખતર તાલુકાના જુદા-જુદા ગામમાં વસતા ઠાકોર સમાજનાં આગેવાનો હાજર રહ્યા હતાં. તો બેઠકમાં સમાજના બાળકોને યોગ્ય માર્ગદર્શન પૂરું પડી રહે તેવા કાર્યક્રમનું આયોજન કરવું, સમાજના બાળકો માટે શૈક્ષણિક સંકુલ અને છાત્રાલય અંગે ચર્ચા, સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારવા અંગે મંથન, વિગેરે મુદ્દાઓ ઉપર વિચાર-વિમર્શ કરવામાં આવ્યા હતા. તો સમાજમાં રહેલા કુરિવાજોમાં સમય સંજોગાનુસાર ફેરફાર કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં તાલુકાનાં જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોના સમાજનાં અગ્રણીઓ કેસરીયા ગામના સવજીભાઈ, કારેલાના વાલજીભાઈ, કડુના મુકેશજી, તનમનીયાના જેરામભાઈ, ઢાંકીના મનસુખભાઇ વિગેરેએ હાજર રહી સમાજનાં લોકો સામે કુરિવાજો દૂર કરવાનો પ્રસ્તાવ મૂકી તે અંગેની સમજણ આપી હતી. ત્યારે સમાજની બેઠકમાં વિવિધ નિર્ણયો કરવામાં આવ્યા હતા.

બેઠકમાં આ નિર્ણયો કરવામાં આવ્યા
લગ્નપ્રસંગે ડી.જે. નહીં વગાડવું
સમાજમાં સંતાનોને શિક્ષણ અંગે સુધારો કરી આગળ વધવું
બારમાંનાં ટાણામાં મોટો જમણવાર બંધ કરવો
મરણ પ્રસંગે બાર દિવસનો શોક ન રાખી બે દિવસમાં કાર્ય પૂરું કરવું
સમાજની વાડીમાં સુધારો કરવો.

અન્ય સમાચારો પણ છે...