દુર્ઘટના:સુરેન્દ્રનગર ખાતાકીય તપાસ માટે આવવા નીકળેલા 2 પોલીસકર્મીના અકસ્માતમાં મોત

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાતે જિલ્લા પોલીસવડા લખતર પહોંચ્યા. - Divya Bhaskar
રાતે જિલ્લા પોલીસવડા લખતર પહોંચ્યા.
  • લખતરના ઝમર ગામ પાસે આવેલા પેટ્રોલ પંપ નજીક રોઝ આડું ઉતરતા અકસ્માત નડ્યો

સુરેન્દ્રનગર પોલીસમાં ક્યુઆરટી શાખામાં લીંબડી તાલુકાનાં ભોઇકા ગામનાં વતની શંકરભાઈ ભગવાનભાઈ ઓળકીયા તેમજ લીંબડી તાલુકાના જ બોરાણા ગામનાં વતની સહદેવભાઇ કડવાભાઇ ગળથળા ફરજ બજાવતા હતા. સપ્ટેમ્બર મહિનાથી કરાઈ ગાંધીનગર ખાતે કમાન્ડોનાં ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહ્યા હતા.

મૃતક શંકરભાઈ
મૃતક શંકરભાઈ

13-11-22એ રોજ બંને યુવાનને સુરેન્દ્રનગર સીપીઆઇ કચેરીએ ખાતાકીય તપાસ માટેની મુદ્દત હોઈ 12-11-22નાં રોજ સાંજે ગાંધીનગરથી નીકળ્યા હતા. રાત્રે 9:15 વાગ્યે લખતર ઉપરથી પસાર થઈ વઢવાણ તરફ જતા હતા ત્યારે લખતરના ઝમર ગામ નજીક પેટ્રોલ પંપ પાસે રોઝ આડું ઉતરતાં બાઈક સ્લીપ થતાં બંને યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

મૃતક સહદેવભાઈ
મૃતક સહદેવભાઈ

ત્યારે તેઓના સાથી કર્મીએ તુરંત 108ને ફોન કરી બોલાવી લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રએ પહોંચાડ્યા હતાં. પરંતુ ત્યાં ફરજ પરનાં તબીબ હરદીપસિંહ જાડેજાએ બંનેને મૃત જાહેર કર્યા હતા. લખતર પીએસઆઇ ઝેડ.એલ. ઓડેદરા તથા લખતર પોલીસ જવાનો દવાખાને પહોંચી ગયા હતા. બાદમાં રાત્રે જ જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત, નાયબ જિલ્લા પોલીસવડા એચ.પી.દોશી તેમજ જિલ્લા પોલીસની ટીમ પણ લખતર દવાખાને પહોંચી હતી.

રોઝ આડું ઉતરતા મોટરસાઇકલ સાથે અથડાયું અને તે બંને નીચે પટકાયા
હું મારા બાઇક પર હતો અને શંકરભાઈ, સહદેવભાઈ બીજા બાઇક પર હતા. બાઈક સહદેવભાઇ ચલાવતા હતા. છેલ્લે અમે રામ છાપરીએ ઉભા રહ્યા હતા. ત્યાંથી સુરેન્દ્રનગર જવા નીકળ્યા ત્યારે બાઈક શંકરભાઈએ ચલાવવા લીધું હતું. ઝમર ગામ આવે તે પહેલા પેટ્રોલ પમ્પ નજીક શંકરભાઇના મોટરસાઇકલ સાથે રોઝ આડું ઉતરતા તેની સાથે અથડાયું અને તે બંને પટકાયા.108 બોલાવીને લખતર સરકારી દવાખાને પહોંચ્યા ત્યારે ડોક્ટરે બંનેને મૃત જાહેર કરેલ. - કાળુભાઇ ભરતભાઈ ખાવડિયા

અન્ય સમાચારો પણ છે...