લખતર ગ્રામ પંચાયતનું તંત્ર દિવસેને દિવસે વધુ નિંભર બનતું હોવાનો ઘાટ સર્જાયેલો છે. વાસમો દ્વારા નંખાયેલ પાણીની લાઈનો રીપેર કરીને જેમની તેમ મૂકી દેવામાં આવતા રાહદારીઓ અને વાહનચાલકોમાં કચવાટની લાગણી ફેલાઈ છે. રસ્તાનું યોગ્ય બુરાણ ન થતા વાહનકચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.
સ્થાનિક તંત્ર દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. લખતર સ્થાનિક તંત્ર દ્વારા લોકોની સુવિધા વધારવાને બદલે હાલાકી વધારવા માટે કામગીરી કરવામાં આવતી હોય તેવો ઘાટ લખતર શહેરમાં સર્જાયો છે. રોજબરોજ શહેરમાં ક્યાંકને ક્યાંક પાણીની લાઈન લીકેજ થતી હોય છે.
તો ક્યાંક ખાડાઓ ખોદીને મૂકી દીધેલા જેમનાં તેમ હોય છે. જાણે સ્થાનિક તંત્રનાં સત્તાધીશો મનમાની પ્રમાણે આડેધડ કામો કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે લખતર મેઈન બજારમાં મોચી બજાર પાસે પાણીની લાઈન લીકેજ થતા તે રીપેર કરવા માટે ચારેક મહિના પહેલા નવા નાંખેલ પેવર બ્લોક ઉખાડી નાંખવામાં આવ્યા હતા.
ત્યારબાદ રીપેર કર્યા પછી તેનું યોગ્ય રીતે બુરાણ કરવા અંગે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી ત્યાં ખાડામાં બ્લોક જેમના તેમ સ્થાનિક તંત્રનાં વહીવટની આડેધડ જ જોવા મળે છે. જેના કારણે વાહનચાલકોમાં અકસ્માત થવાનો ભય રહેલો છે. તેથી સ્થાનિક તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય ગણાશે કે સ્થાનિક તંત્ર વિરુદ્ધ અનેક કામો બાબતે તેમજ શહેરીજનોને પડતી મુશ્કેલી અંગે લેખિત રજૂઆતો થઇ હોવા છતાં તાલુકાનાં કે જિલ્લાનાં અધિકારીઓ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.