વાહનચાલકોને ભારે મુશ્કેલીઓ:લખતર-વિરમગામ હાઈ-વે પર છારદ નજીક બનતા પુલના ડાઈવર્ઝનમાં ખાડાઓ

લખતર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
છારદ નજીક બનતા પુલનાં ડાઈવર્ઝન પર પડેલા ખાડામાં ઝીણો કપચીનો ભુક્કો નાખેલી છે. - Divya Bhaskar
છારદ નજીક બનતા પુલનાં ડાઈવર્ઝન પર પડેલા ખાડામાં ઝીણો કપચીનો ભુક્કો નાખેલી છે.
  • ડાઈવર્ઝનનો રસ્તો યોગ્ય કરવામાં આવે તેવી મુસાફરોની માગણી

લખતર-વિરમગામ હાઇ-વે પર વિઠલાપરા બોર્ડર સુધી ચાર માર્ગીય રસ્તો બની રહ્યો છે. પરંતુ તેમાં ડાઈવર્ઝન માટે બનાવેલ રસ્તો યોગ્ય ન હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી આ ડાઈવર્ઝનનો રસ્તો યોગ્ય કરવામાં આવે તેવી મુસાફરોની માગ ઊઠી છે.

સરકાર દ્વારા વિકાસના કામો હાથ ધરવામાં આવે છે. ત્યારે સરકારના તંત્ર દ્વારા કામ શરૂ હોય તેના ઉપર પૂરતું ધ્યાન ન અપાતું હોય તેવો ઘાટ લખતર-વિરમગામ સ્ટેટ હાઇ-વે ઉપર તાલુકાનાં છારદ ગામ નજીક આવેલા પુલના કામના ડાઈવર્ઝનમાં સર્જાયેલો છે. તંત્રએ કામ તો આરંભી દીધું છે. કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. પરંતુ પુલ તોડીને નવો બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેના લીધે વાહનચાલકો માટે વૈકલ્પિક વ્યવસ્થારૂપે ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.

આ ડાયવર્ઝન માટે બનાવેલ રસ્તા ઉપર ખાડાઓ પડી ગયા છે. તો અમુક ખાડાઓ બુર્યા છે ત્યાં માત્ર કપચીનો ઝીણો ભુક્કો નાખી દીધેલો છે. તેના કારણે અકસ્માત પણ સર્જાઈ શકે છે. તેથી તંત્ર દ્વારા ક્યારેક ક્યારેક પણ ચાલતા કામ ઉપર ધ્યાન આપી લોકોને પડતી મુશ્કેલી જાતે અનુભવી તેને યોગ્ય કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે. તો તાત્કાલિક અસરથી ડાઈવર્ઝનનાં રસ્તા ઉપર પણ નક્કર કાર્યવાહી કરી ખાડા બુરવામાં આવે તેવી માંગ છે.

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે જ્યાં પુલ હતો ત્યાં દર ચોમાસામાં નીચેથી પાણી પસાર થતું હતું. ત્યારે હવે હાલમાં ચોમાસુ નજીક છે અને આ ડાઈવર્ઝનનો રસ્તો પણ થોડો નબળો જણાઈ રહ્યો છે. તેવામાં આગામી ચોમાસામાં જો આ ડાઈવર્ઝન ઉપર પાણી પસાર થયું તો હાઇ-વે ઉપર વાહનોની અવર-જવર પ્રભાવિત થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...