લોકોમાં ચિંતા:લખતરના વણાની સીમમાં વીજ વાયર પડતાં પાઇપો અને કડબ બળીને ખાખ

લખતર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીજવાયર પડતા રૂ. 30,000ના 1500 પૂળા બળી ગયા

લખતર તાલુકાના વણા ગામે સીમમાં કોઇ કારણોસર શુક્રવારે ચાલુ વીજ વાયર પડતા1500 પૂળા કડબ અને 600 ફૂટ પાઇપ બળીને ખાખ થઇ ગયા હતા. જો કે સદનસીબે જાનહાની થઇ ન હતી. પરંતુ લખતર પંથકમાં ચાલુ વીજ વાયરો પડતા લોકોમાં ચિંતા સાથે ફફડાટ ફેલાયેલો છે.

લખતર પંથકમાં વીજ વાયરો પડવાનાં બનાવો વધ્યા છે. ત્યારે તા.17 માર્ચને શુક્રવારે બપોરનાં સુમારે તાલુકામથક લખતરથી દસેક કિ.મી. દૂર આવેલા વણા ગામની સીમમાં કોઇ કારણોસર ચાલુ વીજ વાયર પડ્યો હતો. વીજ વાયર પડતાં સ્પાર્ક થતા વાયર પડ્યો તે જગ્યાએ રહેલા અંદાજે રૂ. 30,000ની કિંમતના 1500 કડબનાં પૂળા બળી ગયા હતા. તો સાથોસાથ ત્યાં પડેલી અંદાજે રૂ. 21,000ની 600 ફૂટ પ્લાસ્ટિકની પાઇપો પણ બળીને ખાખ થઇ ગઈ હતી. આ બનાવની જાણ થતા જ વણા ગામનાં સરપંચ ધ્રુવરાજસિંહ રાણા પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તો પીજીવીસીએલની ટીમ પણ બનાવનાં સ્થળે પહોંચીને કામગીરી હાથ ધરી હતી.

નોંધનીય છે કે સદનસીબે નજીકમાં જ વાવવામાં આવેલા કપાસ સુધી આગ ન પહોંચતા વધુ મોટું નુકશાન ટળ્યું હતું. વણા ગામની સીમમાં પડેલા લાઈન હજુ છએક મહિના પહેલા જ નાંખવામાં આવી હતી. તેમ છતાં વાયરો નીચે પડતા લોકોમાં કામગીરી અંગે અનેક પ્રશ્નો ઉઠ્યા હતા. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે હમણાં હમણાં લખતર પંથકમાં પીજીવીસીએલના ચાલુ વાયરો પડવાનાં બનાવો વધ્યા છે. બે એક દિવસ પહેલાં લખતર ફોરેસ્ટ કચેરી પાસે ચાલુ વાયર પડ્યો હતો. તે પહેલા થોડા સમય અગાઉ કમોસમી વરસાદની આગાહી વખતે એક ઘર નજીક વાયર પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...