કાર્યવાહી કરવા માગ:સુરેન્દ્રનગર-અમદાવાદ રૂટના કંડક્ટરની મહિલા મુસાફર સાથે ગેરવર્તણૂકથી રોષ

લખતર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાઓ નહીં અમદાવાદના મુસાફરો અમારી પહેલી પ્રાથમિકતા: કંડક્ટર

સુરેન્દ્રનગર-અમદાવાદ રૂટની લીંબડી ડેપોની બપોરનાં સમયે સુરેન્દ્રનગરથી ઉપડતી બસના કંડક્ટરે મહિલા મુસાફર સાથે ગેરવર્તણૂક કરી તેઓને બસમાં નહીં અન્ય બસમાં જવાનું કહેતા આવા મનમાની કરતા કર્મચારી સામે કડક કાર્યવાહી કરવા માગ ઊઠી છે. મહિલાને પ્રાથમિકતા નહીં અમદાવાદના પેસેન્જરને પ્રાથમિકતાનું કહેતા મહિલા મુસાફરોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

સરકારના એસટી નિગમનાં અમુક કર્મચારીઓ કોઈવાર પોતાની મનમાની ચલાવતા હોઈ મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે આવો જ ઘાટ બપોરે સુરેન્દ્રનગરથી ઉપડતી અમદાવાદ રૂટની બસમાં સર્જાયો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર તા.4-6-22ને બપોરનાં સમયે 1:30 વાગ્યે સુરેન્દ્રનગરથી ઉપડતી લીંબડી ડેપોની સુરેન્દ્રનગર-અમદાવાદ રૂટની બસ નં.GJ 18 Z 7900 પડી હતી.

ત્યારે આ બસમાં લખતરના અપ-ડાઉન કરતા 1 મહિલા મુસાફર બેસવા જતા કંડક્ટરે આગળ મહેસાણાવાળી બસ ગઈ તેમાં કેમ ન ગયા એમ કહી આ બસ ફૂલ છે, ઊભી રહેજે તેમ કહ્યું હતું. ત્યારબાદ એક સીટ ખાલી હોવાથી મહિલા મુસાફર બેસવા જતાં તે રિઝર્વેશન હોવાનું જણાવી ત્યાં બેસવા દેવાયા ન હતા. પરંતુ રિઝર્વેશન કરાવેલા પેસેન્જર ન આવતાં અન્ય રિઝર્વેશન વગરનાં મુસાફરને કંડક્ટરે સીટમાં બેસાડ્યા હતા. પરંતુ મહિલા મુસાફર ઊભા હોવા છતાં તેમને તે સીટ પર બેસવા દીધા ન હતા. બાદમાં જ્યારે કંડક્ટરને આવું કેમ કર્યું તેમ પૂછતાં અમારા માટે અમદાવાદના મુસાફરોને પ્રથમ પ્રાથમિક્તા છે, મહિલાઓને નહીં તેવું કંડક્ટરે જણાવ્યું હતું.

આમ, એકબાજુ સરકાર સ્ત્રી સશક્તિકરણની વાતો કરે છે અને મહિલાઓને આગળ આવવા પ્રેરણા પૂરી પાડે છે. ત્યારે આવા કર્મચારીઓ મહિલાઓને પ્રાથમિક્તા નહીં આપતા હોવાનું જણાવી સરકારના જ સૂત્રો(વિચારો)નું સરેઆમ ઉલ્લંઘન કરતાં નજરે પડે છે. જેને કારણે મુસાફરોને હાલાકી વેઠવી પડે છે.

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે એસટી નિગમ દ્વારા 15 દિવસનું ભાડું ખર્ચો અને 30 દિવસ મુસાફરી કરો તેવી જાહેરાત કરવામાં આવે છે. ત્યારે આવા કંડક્ટર આવા મુસાફર પાસધારક હોવા છતાં આવું વર્તન કરે અને પ્રથમ અમદાવાદના જ મુસાફરને લેવા તેવો કોઈ નિયમ એસટી નિગમ દ્વારા કરાયો છે ખરો? તેવો સવાલ મુસાફરો કરતા સાંભળવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...