લખતર તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિનાં મહિલા ચેરમેન તથા ઢાંકી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રીને ઢાંકી નજીક આવેલા N.C.26 પમ્પિંગ સ્ટેશનમાંથી ઢાંકી ગામને પીવાનું પાણી પૂરું પાડવા લેખિત રજૂઆત કરી હતી. આથી મંત્રીના કાર્યાલય દ્વારા તંત્રને આ અંગે તાત્કાલિક યોગ્ય કરવા લેખિતમાં જણાવવામાં આવ્યું હતું. લખતર તાલુકા મથકથી 15 કીમી દૂર લખતર તાલુકાનું ઢાંકી ગામ આવેલું છે. આ ઢાંકી ગામમાં એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન આવેલું છે. સૌરાષ્ટ્ર અને કચ્છને પીવાનું પાણી પૂરું પાડવા માટે ‘સૌની યોજના’ અંતર્ગતના 3 પમ્પિંગ સ્ટેશનો NC-26, 30 અને 32 આવેલા છે.
આ ત્રણેય પમ્પિંગ સ્ટેશનોનાં લોકાર્પણ સમયે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઢાંકી ગામને સૌરાષ્ટ્રની પાણિયારું ગણાવ્યું હતું. તો હાલમાં ઢાંકી ગામને પાણી પુરવઠા વિભાગ સુરેન્દ્રનગર દ્વારા વિઠ્ઠલગઢથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે ઢાંકી છેલ્લું ગામ હોવાનાં કારણે પાણી અનિયમિત અને અપૂરતું મળે છે.
જ્યારે પમ્પિંગ સ્ટેશન NC-26 ઢાંકી ગામની બાજુમાં જ આવેલું છે. અને તેની સામે જ ઢાંકી ગ્રામ પંચાયતની પાઇપલાઈન પસાર થાય છે. તો આ પાઇપ લાઇનનું કનેક્શન આપી NC-26માંથી ઢાંકી ગામને પીવાનું પાણી પૂરું પડી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત લખતર તાલુકા પંચાયતના સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન મધુબેન મકવાણાએ 8 મહિના પહેલાં તેમજ ઢાંકી સરપંચ પ્રભુભાઈ મકવાણાએ એપ્રિલ-2022માં રાજ્યના પાણી પુરવઠા મંત્રીને લેખિત રજૂઆત કરી હતી.
આ રજૂઆતોને ધ્યાને લઇને પાણી પુરવઠા મંત્રીના કાર્યાલય દ્વારા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, ગાંધીનગરના ચેરમેનને આ અંગે તાત્કાલિક અસરથી યોગ્ય અને જરૂરી કાર્યવાહી હાથ ધરવા લેખિતમાં જણાવવામાં આવ્યું છે. આમ, આગામી સમયમાં પમ્પિંગ સ્ટેશન NC-26માંથી ઢાંકી ગામને પાણી મળશે તો ગામમાં કાયમી ધોરણે પાણીની પળોજણનો ઉકેલ આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.