લખતર શહેરમાં વાસ્મોની લાઈનની કામગીરી સામે અનેક સવાલો ઉઠ્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ શિક્ષાત્મક કામગીરી કરવામાં આવી નથી. જેને લઈને લોકોમાં આશ્ચર્ય ફેલાયેલું છે. તો સાથે જ શહેરમાં વાલ્વ નજીક લાઈન લીકેજ થઇ રહી છે. જેની કામગીરી પાંચેક દિવસથી ચાલી રહી છતાં તેનો નિવેડો ન આવતો હોય તેવો ઘાટ સર્જાયો છે.
લખતર શહેરમાં અંદાજે દોઢેક વર્ષ કરતા વધુ સમયથી વાસ્મોની લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર લાઈનની સમગ્ર કામગીરી પૂર્ણ કરવાનો ટાઈમ પિરિયડ પણ પૂરો થઇ ગયો છે. તેમ છતાં હજુ સુધી અમુક જગ્યાએ કામગીરી અધૂરી છે. ત્યારે લખતર શહેરના આથમણા દરવાજા નજીક વાસ્મોની લાઈનનો વાલ્વ ફિટ કરવામાં આવ્યો છે. તે વાલ્વની બાજુમાં જ લાઈન લીકેજ થઇ રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે. જેના માટે છેલ્લા પાંચેક દિવસથી રિપૅરિંગ માટે કામગીરી ચાલી રહી છે.
તેમ છતાં હજુ સુધી તે કામગીરીનો અંત આવતો જોવા મળી રહ્યો નથી. ત્યારે લખતરમાં તંત્ર દ્વારા નાંખવામાં આવેલ વાસ્મોની લાઈન સક્સેસ જશે કે કેમ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે લખતર શહેરમાં વાસ્મો દ્વારા નાંખવામાં આવેલ લાઈન અંગે શરૂઆતથી જ કામગીરી યોગ્ય ન થતી હોવા અંગેની ફરિયાદો ઉઠી હતી. શહેરમાં ક્યાંક લાઈન નાંખ્યા બાદ યોગ્ય બુરાણ થયું ન હતું, ક્યાંક કામ અધૂરું છોડી દેવામાં આવ્યું હતું.
તો લાઇનનાં ટેસ્ટિંગ સમયે જ શહેરમાં લગભગ જગ્યાએ લાઈન લીકેજ થવાના બનાવો બન્યા હતા. તે અંગે રજૂઆતો પણ થઇ હતી. તેમ છતાં તંત્રનાં અધિકારીઓ દ્વારા કોઈ જ પ્રકારના ધ્યાન દેવામાં આવું નથી કે નથી કાંઈ શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા. આમ, અધિકારીઓનું ભેદી મૌન જોઈ લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. તો અધિકારીઓ લોકોનાં હિતને ધ્યાનમાં લઈને યોગ્ય કામગીરી કરે તેવી લોકોને આશા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.