હાલાકી:લખતર સ્ટેટ હાઇવે પર 3 મહિના બાદ ફરી મોટા ખાડા પડી ગયા

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લખતર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે પર લખતર નજીક ડિવાઈડરની બાજુમાં જ મોટા ખાડા પડેલો છે. જેને કારણે વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હોય તેવું જોવા મળે છે. ત્રણેક મહિના પહેલા પણ આ જગ્યાએ મોટા ખાડા પડ્યા હતા. ત્યારે આ ખાડાને યોગ્ય રીતે રિપેર નહીં કરવામાં આવતા લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે.

સુરેન્દ્રનગર-વિરમગામ સ્ટેટ હાઇવે લખતર શહેર ઉપરથી પસાર થાય છે. ત્યારે હાઇવે ઉપર લખતર બસ સ્ટેન્ડ વિસ્તાર નજીક બધી દુકાનો આવેલી છે. તે જગ્યાએ સ્ટેટ હાઇવે ઉપર ડિવાઈડરથી નજીક જ એક મસમોટો ખાડો અને અન્ય ખાડાઓ પડેલા છે. આ મોટો ખાડો દર ચોમાસામાં સામાન્ય વરસાદમાં પણ પડે છે. જેને પુરવા માટે તંત્ર કાચું કામ કરીને તેઓએ ખાડો પૂરી દીધો હોય તેનો સંતોષ માની લે છે. ત્યારે ફરી સામાન્ય વરસાદ આવે તેમાં જ આ ખાડાની હાલત જેમની તેમ જ થઈ જાય છે.

તેવી જ રીતે લખતરમાં 4 દિવસમાં પડેલ સામાન્ય 2 ઇંચ વરસાદમાં ફરી આ સ્ટેટ હાઇવે પર ખાડા છે. જેના કારણે આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકોમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે. આ અંગે નિકુલભાઈ, કેતનભાઈ વિગેરેએ જણાવ્યું કે આ ખાડા તંત્ર દ્વારા યોગ્ય પેચીંગ વર્ક કરી પુરવામાં આવતાં નથી.

જેથી કરીને સામાન્ય વરસાદમાં પણ ખાડો ઊંડો પડી જાય છે. ત્યારે આ ખાડામાં કોઈ નીચી ફોર વ્હીલરનું વ્હીલ આવે તો ફોર વ્હીલને નુકશાન અને અકસ્માત થવાની પણ સંભાવનાઓ રહેલી છે. જેથી કરીને તંત્ર દ્વારા આ ખાડો પુરવા કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગણી છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે 3 મહિના આ ખાડો પેચ વર્ક કરી પુરવામાં આવ્યો હતો. ત્યારે ફરી તે જેમનો તેમ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...