રજૂઆત:લખતર તા. પં.ના વિરોધપક્ષના નેતાની ગ્રાન્ટ ફાળવણી મુદ્દે TDOને રજૂઆત

લખતર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20% ગ્રાન્ટ ભાજપના તમામ સદસ્યોના મત વિસ્તારમાં ફાળવી, કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોના મત વિસ્તારમાં ફાળવાઈ નથી

લખતર તાલુકા પંચાયતમાં મળેલ સામાન્ય સભામાં ગ્રાન્ટ ફાળવણી મુદ્દે થયેલ ચર્ચા અને તેમાં રહેલા મુદ્દાને બહાલી આપવા સામે તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતાએ વાંધો ઉઠાવ્યો છે. જે અંગે તેઓએ લખતર તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી.15માં નાણાંપંચમાંથી 20% ગ્રાન્ટનું આયોજન તાલુકા પંચાયતમાં કરાશે તેવો નિયમ બહાર આવ્યો છે. ત્યારે લખતર તાલુકા પંચાયતની સામાન્ય સભા ગત તા.30-9-21ના રોજ તાલુકા પંચાયતમાં મળી હતી.

જેમાં તાલુકા પંચાયતને 15માં નાણાંપંચમાંથી મળનાર 20% ગ્રાન્ટ હાલમાં સત્તા ઉપર રહેલા ભાજપના તમામ સદસ્યોના મત વિસ્તારમાં ફાળવી કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોના વિસ્તારમાં 15માં નાણાંપંચની ગ્રાન્ટ ફાળવવામાં નથી આવી કે આયોજન પણ કરવામાં ન આવ્યું હોવાનો આક્ષેપ કરી તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા પ્રવીણભાઇ મકવાણાએ લખતર TDOને લેખિત રજૂઆત કરી છે.

ત્યારે તેના ભાજપના સભ્યોને ગોળ અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને ખોળનો ઘાટ હોવાનું લેખિત રજૂઆતમાં જણાવાયું છે. આ અંગે યોગ્ય નહીં થાય તો ગુજરાત પંચાયત ધારા હેઠળ ન્યાયિક તપાસની પણ ચીમકી ઉચ્ચારી છે. મહિલા સદસ્યોના પ્રતિનિધિઓ મિટિંગમાં હાજર રહેતા હોવાનું લેખિત અરજીમાં જણાવાયુ છે.આ અંગે લખતર તાલુકા વિકાસ અધિકારી આર.પી.મકવાણાનો સંપર્ક કરતા તેઓ ફોન ઉપાડતા નથી.

અન્ય સમાચારો પણ છે...