કૃષિ:લખતર APMCમાં ડાંગરની ખરીદી શરૂ પણ ડાંગર ભરવા પૂરતા મજૂરોની વ્યવસ્થા નથી

લખતર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતર એપીએમસીમાં ઓછા મજૂરોથી થતી ડાંગર ખરીદીની કામગીરી. - Divya Bhaskar
લખતર એપીએમસીમાં ઓછા મજૂરોથી થતી ડાંગર ખરીદીની કામગીરી.
  • APMC ચેરમેને મધ્યસ્થી કરી સોમવારે ખરીદીની બાંહેધરી આપતાં મામલો થાળે પડ્યો હતો

લખતર શહેરની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તા.15-11-21ને સોમવારના રોજથી ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી હતી. આ પહેલા શનિવારે ખરીદીની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોએ પરત ફરવું પડ્યું હતું. ત્યારબાદ એપીએમસી ચેરમેનની મધસ્થતા બાદ સોમવારે ખરીદીની બાંહેધરી મળતાં સોમવારથી ખરીદી શરૂ કરાઈ હતી. ડાંગરનો જથ્થો ભરવા પૂરતા મજૂરોની વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોને પરેશાની ભોગવવી પડી હતી.

લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં તા.13-11-21ને શનિવારે સવારે ડાંગરની ખરીદી કરવા અંગેનાં મેસેજ મળતાં ખેડૂતો શનિવારે જણસ લઇને આવતાં તંત્રના કોઈ અધિકારી હાજર ન હોવાથી તેમજ ખરીદીની કોઈ વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જે અંગે ખેડૂતોએ એપીએમસી ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલાને રજૂઆત કરતાં તેઓએ મધ્યસ્થી કરી સોમવાર તા.15-11-21થી ખરીદી શરૂ કરવાની બાંહેધરી આપતા સવારથી ખેડૂત પોતાની જણસ લઇને લખતર એપીએમસીએ ડાંગર વહેંચવા આવ્યા હતા.

જ્યાં ટેકાના ભાવે સોમવારે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. પરંતુ ડાંગર ખરીદી માટે માલ ભરવા પૂરતા મજૂરોની વ્યવસ્થા ન હોવાથી માત્ર 2000 કિલો જ ડાંગરની ખરીદી થતાં અન્ય દસેક ટ્રેકટર માલ લઇને આવેલ ખેડૂતોને પરેશાની વેઠવી પડી હતી.

યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું
ડાંગરની ખરીદી શરૂ તો કરી છે. પરંતુ માત્ર 2000 કિલો જ ખરીદી થઈ શકી છે. ડાંગર ખરીદી માટે મજૂરોની પૂરતી વ્યવસ્થા ન હોવાથી ખેડૂતોમાં રોષ છે. અધિકારી સાથે વાત કરી યોગ્ય વ્યવસ્થા કરવા જણાવાયું છે. - હિતેન્દ્રસિંહ ઝાલા, ચેરમેન, લખતર એપીએમસી

અન્ય સમાચારો પણ છે...