આયોજન:કોંગ્રેસના સ્નેહમિલનમાં જયરાજસિંહે ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા

લખતર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતરના છારદમાં કોંગ્રેસની બાઈક રેલી. - Divya Bhaskar
લખતરના છારદમાં કોંગ્રેસની બાઈક રેલી.
  • છારદમાં કોંગ્રેસની બાઈક રેલી સ્વરૂપે શક્તિ પ્રદર્શન કર્યું
  • દિલ્હીમાં​​​​​​​ સરકાર ચલાવવા બેઠા છે તેમને રાવણ કરતાં પણ મહા ઘમંડ હતો તેની સામે જગતના તાતની જીત થઈ : નૌશાદ સોલંકી

લખતર તાલુકાના છારદ ગામે લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્નેહ મિલનમાં કોંગ્રેસના મોટા-મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં તેઓએ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. આ સ્નેહ મિલન પહેલાં બાઈક રેલી સ્વરૂપે કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું હતું. લખતર તાલુકાના છારદ ગામે તા.22-11-21ને સોમવારના રોજ કોંગ્રેસનો સ્નેહમિલન કાર્યક્રમ લખતર-દસાડા અને લીંબડી નળકાંઠા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા તેઓનાં મતવિસ્તારના લોકો માટે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓને આડે હાથે લઈ ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. તો ચોટીલા ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ સરકારમાં બેરોજગારી દિવસે ને દિવસે વધી રહી હોવાનું જણાવ્યું હતું. તો લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ રદ કરેલા કૃષિ કાયદાને ઉલ્લેખીને કહ્યું કે દિલ્હીમાં સરકાર ચલાવવા બેઠા છે તેમને રાવણ કરતાં પણ મહા ઘમંડ હતો તેની સામે જગતના તાતની જીત થઈ છે.

તો વધુમાં જણાવ્યું હતું કે 2014 પહેલાં જે પેટ્રોલ-ડીઝલની કિંમત હતી તે હવે લોકો માટે એક સ્વપ્ન બની ગયું છે. આ કાર્યક્રમમાં લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી, ચોટીલાના ધારાસભ્ય અને ગુજરાત કોળી સમાજનાં પ્રમુખ ઋત્વિકભાઈ મકવાણા, વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ તથા સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ રાણા તથા તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...