લખતર શહેરને પાણી પુરૂ પાડવા માટે પાણીની ટાંકી અને પાણીનો સંપ 1.50 કરોડનાં ખર્ચે બનાવવામાં આવ્યો છે. પરંતુ આ પાણીની ટાંકી અને સંપ જાણે માત્રે દેખાડા માટે બનાવ્યા હોય તેવું લોકોને લાગી રહ્યું છે. સંપ અને ટાંકી હાલમાં શહેરીજનો માટે શોભાનાં ગાંઠિયા સમાન હોય તેવો ઘાટ સર્જાયો છે.
તો શહેરના લોકોને તાત્કાલિક આ પાણીની ટાંકી અને સંપમાંથી પાણી મળવાનો લાભ મળે તેવી માંગ ઉઠી છે. સરકાર દ્વારા લોકોની તાતી જરૂરિયાત ગણાતી એવી પાણીની સુવિધા માટે વિવિધ યોજનાઓ લાવવામાં આવે છે. પરંતુ તંત્રનાં અધિકારીઓની ઉદાસીનતાને કારણે લોકોને આ સુવિધા મળવી જોઈએ તેટલી ઝડપથી મળતી નથી. આવો જ ઘાટ લખતર શહેરમાં સર્જાયો છે.
લખતર શહેરને પાણી પુરૂ પાડતી ટાંકી વર્ષ 2014માં ધરાશાયી થઇ હતી. ત્યારબાદ 6 વર્ષે નવી ટાંકી અને પાણીનો સંપ મંજુર થયો હતો. આ ટાંકી અને સંપ એકાદ વર્ષનાં સમયગાળાની અંદર રૂ. 1.50 કરોડનાં ખર્ચે તૈયાર થઇ ગયા છે.
જે સંપ અને ટાંકી બની ગયાને 6 મહિના જેટલો સમય થવા છતાં શોભાનાં ગાંઠિયા સમાન હોય તેમ લોકો બોલી રહ્યા છે. તો હાલમાં શહેરને જે સંપમાંથી પાણી આપવામાં આવે છે તે સંપ જર્જરિત હોવાથી ખુલ્લો છે. અને અમુક વિસ્તારમાં ડહોળું પાણી આવતું હોવાની ફરિયાદો તેમજ આટલો લાંબો સમય થયો હોવા છતાં તંત્રનાં અધિકારીઓ કેમ મૂકપ્રેક્ષક બની બેસી રહ્યા છે તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. એકબાજુ સરકાર દ્વારા ઘર ઘર નળની 100 ટકા કામગીરી બતાવવામાં આવે છે.
ત્યારે આવા કેટલા કામો તંત્રની ચાડી ખાતા હશે તેવું લોકો બોલી રહ્યા છે. લખતર શહેરમાં વાસ્મોની લાઇનનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું છે. તો કામ નબળું થયું હોવાની અનેક ફરિયાદો વચ્ચે એકવાર નવી લાઈન લીકેજ પણ થઇ હતી. ત્યારે આ લાઈનની ધીમી અને નબળી કામગીરીને કારણે આ ટાંકી અને સંપ કાર્યરત ન થતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.