મુશ્કેલી:લખતરના ખાળિયા વિસ્તારમાં દોઢ ફૂટે પાણી નીકળતાં લાઇન નાખવાનું બંધ કરવું પડ્યું

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચોમાસામાં તળ ઊંચા આવવાની ‘દિવ્ય ભાસ્કર’ની આશંકા સાચી પડી

લખતરમાં પાણીની લાઇન નાખવાની કામગીરીમાં ફરી વાર વાસ્મોની બેદરકારી સામે આવી છે. નીચાણવાળા ખાળિયા વિસ્તારમાં વરસાદ શરૂ થયા પછી ખોદકામ કરતાં અપેક્ષા મુજબ પાણીનાં તળ ઊંચાં આવી જતાં ખોદકામ અટકાવી દેવું પડ્યું હતું અને આ કારણે આગળના વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં પાણીનાં તળ ઊંચાં આવશે, તેવી ‘દિવ્ય ભાસ્કર’એ પહેલાં જ વ્યક્ત કરેલી આશંકા સાચી પડી હતી.

લખતર શહેરમાં વાસ્મો દ્વારા પીવાના પાણીની લાઇનની કામગીરી શરૂ કરાઈ છે. જે કામગીરી સૌપ્રથમ શહેરનાં ઊંચાણવાળા વિસ્તારમાં કરાઈ છે. ત્યારે ચોમાસુ આવતું હોવા છતાં પ્રથમ ઊંચાણવાળા વિસ્તારમાં કામગીરી કરાતા અનેક પ્રશ્નો ઉદભવ્યા છે. તો તાલુકા મામલતદાર તેમજ વાસ્મો અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં ખાળીયા વિસ્તારમાં ચોમાસા પહેલા એટલે કે 1જૂનથી કામગીરી શરૂ કરી દેવા માટે લેખિત બાંહેધરી હોવા છતાં એજન્સીએ પોતાની મનમાની ચલાવી તંત્ર કે અધિકારીઓને પણ સાઈડ લાઈન કર્યા હોવાનો ઘાટ સર્જાયો હતો.

ત્યારે અંતે “દિવ્ય ભાસ્કર” દ્વારા ખાળીયા વિસ્તારમાં કામ શરૂ ન થયું હોવાનો અહેવાલ આવતાં જ 1 જૂનથી શરૂ થનાર કામ 20 જૂન પછી શરૂ થયું હતું. તો અહેવાલમાં આ વિસ્તારમાં ચોમાસા પહેલા કામગીરી નહિ થાય તો પાણીનાં તળની સમસ્યા સર્જાશે તેવો પણ ઉલ્લેખ કરાયો હતો. ત્યારે આ અહેવાલ એકદમ સાચા સાબિત થયા હોય તેમ વિસ્તારની શરૂઆતના કામમાં જ દોઢ ફૂટે પાણી નીકળતા આગળના વિસ્તારનું કામ બંધ કરી દેવાયું છે.

કામ પૂર્ણ કરવા માટેનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે અથવા પૂર્ણ થવામાં છે તેમ છતાં હજુ શહેરમાં કામ બાકી હોવા છતાં તંત્ર અને અધિકારીઓ કડકાઇથી કામ લેવામાં વામણા બનતા હોય તેવો ઘાટ સર્જાયેલો છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે કામ તો બંધ કરી દીધું પણ વિસ્તારમાં ખોદકામ કરીને મૂકી દીધેલ હોવાથી ફોર વ્હીલર વાહનચાલકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.

અન્ય સમાચારો પણ છે...