લખતર ગ્રામપંચાયતને વિકાસ કમિશનર કચેરી ગાંધીનગરનાં પત્ર તા.25-2-23નાં તેમજ દિલ્હી જળશક્તિ મંત્રાલયના તા.22-2-23નાં પત્રના અનુસંધાને તા.4-3-23ને શનિવારના રોજ ગ્રામપંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારી તંત્ર દ્વારા બહાર પડાયેલા આદેશ મુજબ જાણે કોઈને કાંઈ જ પડી ન હોય તેવો ઘાટ ગ્રામપંચાયતમાં સર્જાયો હતો. આ ગ્રામસભામાં સરપંચ અને બે સદસ્યની જ ઉપસ્થિતિ જોવા મળી હતી.
અત્રે યાદ અપાવવું જરૂરી જણાશે કે લખતર ગ્રામપંચાયતમાં કુલ 16 સદસ્યો અને 1 સરપંચ છે. જેમાંથી માત્ર 3 વ્યક્તિઓની ઉપસ્થિતિ જણાતી હતી કે જાણે સરકાર દ્વારા ફરજિયાત ઠોકી બેસાડેલા કાર્યક્રમ કેવો હોય ? આ ગ્રામસભામાં ઉપસ્થિત 15 વ્યક્તિઓમાં આરોગ્ય વિભાગનાં કર્મીઓ અને લખતર ગ્રામ પંચાયતના કર્મીઓનો પણ સમાવેશ થાય છે.
તો હાજર વ્યક્તિઓએ પાણી બચાવવાના શપથ લીધા હતા. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે શપથ લેવામાં ઉપસ્થિત ગ્રામપંચાયતના સરપંચ અને કર્મચારીઓને જાણ તો હશે જ કે હાલમાં લખતર શહેરમાં અપાતા પાણી પુરવઠાની લાઈનોમાં કોઈ દિવસ ખાલી નહીં હોય કે પાણી આપવાના દિવસે પાણીનો બગાડ ન થયો હોય. જ્યારે કેટલાક લોકોએ આ સભામાં શહેરનાં ક્યાં ક્યાં વિસ્તારમાં પાણીનો વેડફાટ થાય છે તે મતલબનું લીસ્ટ પણ આપ્યું હોવાનું જાણવા મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.