લખતર શહેરના ભરવાડનેસ અને લક્ષ્મીપરા વિસ્તારમાં છેલ્લા દસેક દિવસ કરતા વધુ સમયથી ઘરે પાણી નહીં આવતા મહિલાઓમાં ભારે રોષ વ્યાપેલો છે. ત્યારે ગ્રામપંચાયતના સત્તાધીશો દ્વારા જ્યાં સુધી વિસ્તારમાં ગટરનું કામ ચાલશે ત્યાં સુધી પાણી નહીં મળે તેવું કહેવામાં આવતા મહિલાઓમાં કચવાટની લાગણી ફેલાઈ હતી. મહિલાઓએ તાત્કાલિક પાણી આપવા માગ કરી હતી.
લખતરનાં ભરવાડનેસમાં ગટરનું કામ સ્થાનિક તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કામ શરૂ થતા પહેલેથી આ વિસ્તારમાં પાણી આપવાનું બંધ કરવામાં આવેલું છે. તો બીજી તરફ કામ પણ ગોકળગાયની ગતિએ કરવામાં આવી રહ્યું છે. આ કામનાં કારણે શહેરનાં ભરવાડનેસ અને લક્ષ્મીપરા શેરી વિસ્તારમાં લોકોને ઘરે પાણી મળી રહેતું નથી.
ઘરે પાણી ન મળતા ભરશિયાળે મહિલાઓને દૂર દૂર પાણી ભરવા જવું પડતું હોવાથી મહિલાઓમાં રોષની લાગણી વ્યાપેલી છે. આ અંગે વિસ્તારનાં પ્રફુલ્લાબેન, કુંવરબેન સહિતની મહિલાઓએ જણાવ્યું કે અમારે પાણી વગર હેરાન થવું પડે છે. ઘરથી એક કિમી દૂર કાદેસર તળાવે કે મોતીસર તળાવે અથવા તો કોઈનાં ઘરે કૂવો હોય ત્યાં પાણી ભરવા જાઉં પડે છે.
ગટરનાં કામનાં લીધે આટલા દિવસ પાણી તો બંધ ન રખાય ને તેથી તાત્કાલિક વિસ્તારમાં પાણી આપવામાં આવે તેવી માંગણી કરી છે. ત્યારે આ અંગે આ વિસ્તારમાં રહેતાં લગધીરસિંહ રાણાએ જણાવ્યું કે પાણી આપવા અંગે ગ્રામપંચાયતનાં સભ્ય અને સરપંચ પ્રતિનિધિનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. જેમાં તેઓએ ગટરનું કામ ચાલુ છે ત્યાં સુધી પાણી નહીં આવે તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.