લખતર શહેરનાં ભરવાડ નેસ અને તે બાજુનાં ખાળીયા વિસ્તારમાં છેલ્લા એકાદ મહિનાથી નળમાં પાણી નહીં આવતા વિસ્તારની મહિલાઓ રણચંડી બની હતી. ગ્રામપંચાયતે પદાધિકારી કે અધિકારી હાજર નહીં મળતા તાલુકા પંચાયતમાં રજુઆત કરવા દોડી ગઈ હતી. રજૂઆત કરવા આવેલી મહિલાઓમાં ભારે રોષ ફેલાયેલો હતો. અને મહિનાથી પાણી નહીં આવતા વિસ્તારના રહેવાસીઓને ભારે તકલીફ પડતી હોવાનું જણાવ્યું હતું.
સરકાર દ્વારા હરઘર નળ યોજના અંગેની મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે. પરંતુ આવી યોજનાઓને લપડાક મારતી હોય તેવી બીના લખતર શહેરમાં બની હતી. લખતર ગ્રામપંચાયત દ્વારા છેલ્લા એકાદ મહિના કરતા વધુ સમયથી શહેરનાં ભરવાડ નેસ અને તે બાજુનાં ખાળીયા વિસ્તારમાં પાણી આપવામાં આવ્યું નથી. જેના લીધે લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી લોકોમાં ભારે રોષ ફેલાયેલો છે. ત્યારે ઘરને પાણી પુરૂ પાડવા રોજબરોજ માથે બેડા લઇ પાણી ભરી આવતી મહિલાઓમાં પાણી ન આવવાને કારણે ભારે રોષ ફેલાયો હતો.
જેને લઈને તા.13-1-23ને શુક્રવારનાં રોજ આ વિસ્તારની મહિલાઓ દમયંતિબેન વૈષ્ણવ, ચંપાબેનની આગેવાનીમાં લખતર ગ્રામપંચાયતે રજુઆત અર્થે પહોંચી હતી. પરંતુ લખતર ગ્રામપંચાયતમાં તલાટીકમ મંત્રી કે સરપંચ હાજર નહીં મળતા મહિલાઓ વધુ રોષે ભરાઈ હતી. બાદમાં રણચંડી બનેલી મહિલાઓએ લખતર તાલુકાપંચાયતમાં ધામા નાંખ્યા હતા.
જ્યાં ગ્રામપંચાયતનાં સભ્ય અને સરપંચનાં પતિને તેમજ તાલુકા વિકાસ અધિકારીને આ અંગે રજુઆત કરી હતી. પરંતુ ગ્રામપંચાયતનાં સભ્ય અને સરપંચનાં પતિ દ્વારા યોગ્ય જવાબ ન મળતા મહિલાઓમાં નારાજગી સાથે રોષ ફાટી નીકળ્યો હતો. ત્યારે આગામી સમયમાં તાત્કાલિક અસરથી આ અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ વણશે તો નવાઈ નહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.