માગણી:લખતર તાલુકામાંથી પસાર થતી કેનાલમાં ઘાસનાં ઝૂંડ ઉગી નીકળ્યાં

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સૌરાષ્ટ્રશાખા નહેરમાંથી સીધું જ પાણી લખતરને અપાય છે
  • રોગચાળો ફાટી નીકળે તે પહેલાં સફાઈ કરવામાં આવે તેવી માગણી

ગુજરાત સરકાર સ્વચ્છ ગુજરાત અને સ્વસ્થ ગુજરાતના બ્યુગલો ફૂંકી રહી છે. ત્યારે રાજ્ય સરકાર જેને ગુજરાતની જીવાદોરી ગણે છે તે નર્મદાની સૌરાષ્ટ્ર શાખા લખતર તાલુકામાંથી પસાર થાય છે. અને તે જ જગ્યાએથી સૌરાષ્ટ્ર-કચ્છને પીવાનું પાણી પૂરું પાડવા વિવિધ જગ્યાઓ પર પંપિંગ સ્ટેશનો બનાવી પાણીનો સપ્લાય કરવામાં આવે છે. તે કેનાલમાં ઠેકઠેકાણે ઘાસ અને પાણીમાં થતી વનસ્પતિના કારણે પાણી દૂષિત થાય છે. તો વળી આ ઘાસમાં કોઈ પશુઓ કે માનવીના મૃતદેહોથી પણ પાણી વધુ દૂષિત થતું હોય આ કેનાલ સાફ કરાવવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે.

ગુજરાતના મોટાભાગને પીવાનું પાણી યોગ્ય પ્રમાણમાં મળી રહે તે માટે થઈ તંત્ર દ્વારા નર્મદા કેનાલ બનાવવામાં આવી છે. અને આ કેનાલની સૌરાષ્ટ્ર શાખા નહેર જે લખતર તાલુકામાંથી પસાર થાય છે. તે કેનાલ પર સૌરાષ્ટ્ર-કચ્છને તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારને પીવાનું પાણી પાઇપ લાઈન દ્વારા પહોંચાડાય છે. તે કેનાલના કિનારે મોટા પ્રમાણમાં ઘાસ તથા બીજી પાણીજન્ય વનસ્પતિ ઉગી નીકળેલા છે. આ વનસ્પતિમાં નાના-મોટા પશુઓના મૃતદેહો ફસાઈ ગયા હોય તો પણ નજરે ચડે તેમ નથી.

આ કેનાલના પાણી પંપીંગ સ્ટેશન સિવાય પણ ઠેર-ઠેર પીવાના ઉપયોગમાં લેવાતાં હોવાનું જાણવા મળે છે. ત્યારે આગામી ઉનાળામાં આ પાણી પીવામાં લેવાથી રોગચાળો ફાટી નીકળે તો નવાઈ નહી તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આથી આ કેનાલમાં સત્વરે સફાઈ હાથ ધરવામાં આવે તેવી લોકમાંગણી છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે આ સૌરાષ્ટ્રશાખા નહેરમાંથી સીધું જ પાણી લખતરને પણ મળતું હોવાથી રોગચાળો ફાટી નીકળે તે પહેલાં સફાઈ કરવામાં આવે તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...