લખતર તાલુકાનાં વરસાણી ગામની સીમમાં કેનાલમાં મંગળવારે મોટું ગાબડું પડવાના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતા. ગાબડું પડવાથી પાણીનો વેડફાટ થયો હતો. વારંવાર રજૂઆતો છતા ગાબડાઓની ઘટનાથી ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. ગાબડાથી પાણીવેડફાટ અને ખેતરો સુધી પાણી ન મળતા ખેડૂતો નુકસાન થયુ હતુ.
સરકાર દ્વારા નર્મદા કેનાલને ખેડૂતો માટે જીવાદોરી ગણવામાં આવે છે. ખેડૂતોને ખેતરે પાણી મળી રહે તે માટે માઇનોર અને સબમાઇનોર કેનાલો બનાવવામાં આવી છે. પરંતુ તે સબમાઇનોર કેનાલના કામો લખતર પંથકમાં નબળા થયા હોવા અંગે અનેક ફરિયાદો ઉઠી છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. જેનો સતત ખેડૂતો ભોગ બની રહ્યા છે.
ત્યારે તા.3-1-23ના રોજ વહેલી સવારે લખતર તાલુકાના વરસાણી ગામે સીમમાં એક કેનાલમાં મોટું ગાબડું પડ્યું હતું. આ ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. બીજી તરફ વેડફાટ અને પાણી ખેતરો સુધી ન પહોંચતા ખેડૂતોને નુકસાન થયુ હતુ. તંત્રને વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા ખેડૂતોમાં ભારે નારાજગી સાથે રોષ ફેલાયો હતો.
આમ, લખતર પંથકમાં વારંવાર નર્મદાની કેનાલોના નબળા કામ અંગે ખેડૂતો દ્વારા સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે નર્મદા વિભાગની લીંબડી શાખા નહેરના નાયબ કાર્યપાલક ઈજનેર જે.કે.રાઠોડે જણાવ્યું કે મુખ્ય શાખામાંથી પાણી સાથે આવતી લીલના કારણે નાની કેનાલોમાં આ પ્રશ્ન ઉભો થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.