પાકમાં નુકશાન:3 દિવસમાં બીજી વાર પેટા કેનાલમાં ગાબડું; પાકમાં પાણી ફરી વળ્યાં

લખતર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખતરના લીલાપુરમાં સેંકડો વીઘામાં પાણી ફરી વળતાં તાત્કાલિક વળતર આપવા ખેડૂતોની માગણી

લખતર તાલુકાનાં લીલાપુર ગામની સીમમાં આવેલી સબમાઇનોર કેનાલમાં તંત્રની નબળી કામગીરીને કારણે ત્રણ દિવસમાં બીજીવાર ગાબડું પડતા ખેડૂતોનાં ઉભા પાકમાં પાણી ભરાઈ જતા મોઢા માં આવેલ કોળિયો છીનવાયો હોય તેવો ઘાટ સર્જાયો હતો. ત્યારે ખેડૂતોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. આવી નબળી કામગીરી કરનાર લોકો સામે તાત્કાલિક પગલાં ભરવા તેમજ ઉભા પાકમાં પાણી વળતા મોટાપ્રમાણમાં નુકશાન થયું હોય વળતર આપવા માંગણી કરી હતી.

સરકાર દ્વારા ખેડૂતોની વર્ષો જૂની ખેતરે પાણી પહોંચાડવાની માંગ પુરી કરી માઇનોર અને સબમાઇનોર કેનાલો બનાવવામાં આવી છે. જે કેનાલો થકી ખેડૂતોને ખેતરે-ખેતરે નર્મદાનું પાણી મળી રહે અને જેના થકી બારેમાસ ખેતી કરી શકે. પરંતુ લખતર પંથકમાં બનાવવામાં આવેલ સબમાઇનોર કેનાલોના કામોમાં અધિકારીઓ દ્વારા કોઈ જ ધ્યાન ન આપવામાં આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે ગત તા.10-10-22ને સોમવારનાં રોજ લીલાપુર ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં ગાબડું પડ્યું હતું. જેથી આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. આ અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી.

પરંતુ તંત્ર દ્વારા યેનકેન પ્રકારે કામગીરી કરવામાં આવી હતી. ત્યારે તેના ત્રણ દિવસ બાદ જ એટલે કે તા.13-10-22ને ગુરૂવારના રોજ વહેલી સવારે ફરીવાર તે જ જગ્યાએ ગાબડું પડતા તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની પોલ ખુલી હતી. પરંતુ તંત્રની આ દેખાડા પૂરતી કામગીરીને કારણે ખેડૂતોની દિવાળી જાણે બગડી હોય તેવો ઘાટ સર્જાયો છે. આ ગાબડું પડવાથી લીલાપુર અને ઢાંકી ગામના ખેડૂતોની અંદાજે ત્રણસો વીઘા કરતાં વધુ જમીનમાં ઉભેલ બિટી કપાસ,એરંડા તથા જારનાં પાકને મોટાપાયે નુકશાન પહોંચ્યું છે.

ત્યારે સત્તાવાર રીતે મળતી માહિતી અનુસાર આ કેનાલ બન્યાને પાંચેક વર્ષ જેટલો સમયગાળો થયો હોવા છતાં આજદિન સુધીમાં એકપણ વખત આ કેનાલની સફાઈ કે મરામત કામ તંત્ર દ્વારા કરવામાં આવ્યું જ નથી. ત્યારે આમ, સરકાર ખેડૂતોને કેનાલનો લાભ આપવા સવલતો કરે છે પરંતુ બીજી બાજુ અધિકારીઓ આ અંગે પૂરતું ધ્યાન જ ન આપતાં હોય તેવો ઘાટ સર્જાતાં ખેડૂતોને તેનો ભોગ બનવું પડે છે.

આ અંગે ખેડૂતોએ જણાવ્યું કે તાલુકાકક્ષાના અને જિલ્લાકક્ષાનાં ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આ અંગે રજુઆત કરવા છતાં તંત્રએ કોઈ ધ્યાન ન દેતા આજે અમારા ઉભા પાકમાં પાણી ફરી વળતાં મોટાપ્રમાણમાં નુકશાન જતા દિવાળીએ \"હોળી\" થઈ હોય તેવું લાગે છે. તંત્ર તાત્કાલિક દિવાળી પહેલા આનું વળતર ચૂકવે જેથી અમારી ખેડુતોની દિવાળી સારી જાય તેવી માંગ છે.

આગળ કેનાલ બનવાની બાકી છે, એજન્સીએ કામ અધૂરું મૂક્યું છે
નર્મદા વિભાગના અધિક મદદનીશ ઈજનેર રણજીત રાઠોડે જણાવ્યુ કે,આ કેનાલ 2017નાં વર્ષમાં બની હશે. હજુ સુધી લગભગ તેની મરામત કરાઈ નથી.કેનાલમાં માટી હોવાનાં કારણે પાણી વધવાથી ઓવરફ્લો થવાથી ગાબડા પડે છે. અને સાડા નવ કી.મી.ની કેનાલમાં 4 કી.મી. બની છે. આગળ કેનાલ બનવાની બાકી છે. એજન્સી કામ અધૂરૂ મૂકીને ગઈ છે.

આ અંગે ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું
લીલાપુર અને ઢાંકી ગામની સીમમાં કેનાલમાં ગાબડું પડવાથી પાણી ફરી વળવાથી ઉભા પાકમાં પાણી ફરી વળતા ખેડૂતોએ ઢાંકી સરપંચ પ્રભુભાઈ મકવાણા સાથે લખતર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે ઢાંકી-લીલાપુર સીટ ઉપર તાલુકા પંચાયતના સદસ્ય અને સામાન્ય ન્યાય સમિતિ ચેરમેન મધુબેન મકવાણાએ પણ મામલતદારને વારંવાર કેનાલ તૂટવાથી ખેડૂતને નુકશાન થયાનું જણાવી તેનું વળતર તાત્કાલિક ખેડૂતને ચૂકવવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...