સમસ્યા:લખતર કિસાન સુવિધા કેન્દ્રમાંથી ખાતર ન મળતા ખેડૂતોનો હલ્લાબોલ

લખતર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતર કિસાન સુવિદ્યા કેન્દ્રની બહાર ખેડૂતોની તસવીર. - Divya Bhaskar
લખતર કિસાન સુવિદ્યા કેન્દ્રની બહાર ખેડૂતોની તસવીર.
  • 4 દિવસથી ખેડૂતોના ખાતર માટે ડેપોએ ધક્કા

લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર રોડની બાજુમાં લખતર કિસાન સુવિધા કેન્દ્ર આવેલું છે. જ્યાંથી ખેડૂતોને સબસિડી સહિતનું ખાતર આપવામાં આવે છે. પરંતુ છેલ્લા ચારેક દિવસથી ખાતર ન આપવામાં આવતા તા.15-11-21ના રોજ ખેડૂતોએ હલ્લાબોલ કરતાં અને ટેલિફોનિક રજૂઆતો કરતાં થોડા સમયમાં ખાતર આપવાનું શરૂ કરવામાં આવતા મામલો શાંત પડ્યો હતો. સરકાર દ્વારા ડિજિટલાઈઝેશન ઉપર વધારે ભાર મૂકવામાં આવે છે. પરંતુ તેના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. ત્યારે આવો જ એક બનાવ લખતરમાં બન્યો હતો.

લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર લખતરની અન્નપૂર્ણા હોટેલની નજીક લખતર કિસાન સુવિધા કેન્દ્ર (સરદાર)(GSFCની સંપૂર્ણ સબસિડિયરી કંપની) આવેલું છે. જ્યાંથી સબસિડીવાળા ખાતર મળે છે. ત્યારે ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેઓ અહીં DAP ખાતર લેવા છેલ્લા ચાર દિવસથી આવતાં હતાં. પરંતુ રોજે એક-બે કલાક બેસાડ્યા બાદ ઓનલાઇન કામગીરી ન થઈ શકતી હોવાનાં કારણે ખાતર આપવામાં આવતું નથી તેવું કહી પરત મોકલી દેવાતા હતા.

ત્યારે તા.15-11-21ના રોજ સવારે ખાતર લેવા ગયેલા ખેડૂતોને ખાતર નહીં મળે તેવું જણાવતા ખેડૂતો રોષે ભરાયાં હતાં. અને ત્યાં એકઠા થઇ હલ્લાબોલ કર્યો હતો. બાદમાં જાણવા મળતી માહિતી મુજબ ખેડૂતો દ્વારા લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકીને ટેલીફોનીક રજૂઆત કરતા ત્યારબાદ થોડીવારમાં ખેડૂતોને ખાતર આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.

  • ખાતરનું વિતરણ કેટલા દિવસથી બંધ છે ? છેલ્લા ચારેક દિવસથી બંધ છે.
  • વિતરણ બંધ રહેવાનું કારણ શું ? સિસ્ટમમાં ખામી સર્જાતા વિતરણ બંધ હતું.
  • સિસ્ટમ ચાલુ કરવા આપે શું કાર્યવાહી કરી ? જામનગરખાતે અમારા ઉપરી અધિકારી સાથે વાત કરી સિસ્ટમ ચાલુ ન થાય તો માત્ર આર.ઓ.મોડેલ ચાલુ કરી આપવાનું કહેલ. આમ એસ.એ.પી.સિસ્ટમમાં ખામી હોઈ આર.ઓ.મોડેલથી હાલ તુરત વિતરણ શરૂ કરેલ છે. - એસ.જી. મકવાણા, ડેપો મેનેજર, કિસાન સુવિધા કેન્દ્ર (સરદાર)
અન્ય સમાચારો પણ છે...