લખતર તાલુકાનાં ઢાંકી ગામને તેની નજીકમાંથી પસાર થતા પમ્પિંગ સ્ટેશન NC 26માંથી પાણી આપવા માટે ગામના સરપંચ, તાલુકા પંચાયતના સામાજીક ન્યાય સમિતિના ચેરમેને મંત્રીને કરેલી લેખિત રજૂઆત બાદ મંત્રીએ પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી આપવા જણાવવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી થઇ નથી.
આથી સરપંચે આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારતા તાલુકા મામલતદાર, ટીડીઓ, પાણી પુરવઠાના અધિકારી ઢાંકી ગામે દોડી ગયા હતા. અને તે અંગે માહિતી મેળવી હતી. લખતર તાલુકામથકથી 15 કીમી દૂર ઢાંકી ગામ આવેલું છે. આ ઢાંકી ગામે જ એશિયા ખંડનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન આવેલું છે. જ્યાંથી સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને પાણી પૂરું પડી રહે છે. ત્યારે હવે આ ઢાંકી ગામના લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેના કારણે ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડે છે.
હકીકત એવી છે કે ઢાંકી ગામને વિઠ્ઠલગઢથી પાણી આપવામાં આવતું હોય અને ઢાંકી ગામ છેલ્લું હોય પૂરતું પાણી મળતું નથી. અને મહિનામાં માંડ પાંચેક વાર પાણી આવે છે. તેના કારણે ઢાંકી ગ્રામપંચાયતના સરપંચ પી.બી.મકવાણા અને તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ચેરમેન મધુબેન મકવાણા દ્વારા મંત્રીને આ અંગે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈને જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલના કાર્યાલયમાંથી તંત્રને ઢાંકી ગામને NC 26 પમ્પિંગ સ્ટેશનમાંથી પાણી આપવા આદેશ આપી દેવામાં આવ્યો હોવા છતાં આજદિન સુધી GWIL દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આથી ગ્રામ પંચાયત સરપંચે આગામી તા. 8 જૂન સુધીમાં પમ્પિંગ સ્ટેશન NC 26માંથી ઢાંકીને પાણી આપવામાં નહીં આવે તો તા.9 જૂનથી ઢાંકી ખાતે આવેલા પમ્પિંગ સ્ટેશન NC 26 સામે જ્યાં સુધી NC 26માંથી ઢાંકીને પીવાના પાણીનું કનેક્શન આપવામાં નહીં આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
બીજી તરફ સરપંચે ચીમકી ઉચ્ચારતા જ લખતર મામલતદાર જી.એ.રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી એચ.ટી.સાધુ અને પાણી પુરવઠાના અધિકારી સમીક્ષા માટે ઢાંકી ગામની મુલાકાત લીધી હતી. અને ઢાંકી ગામને પડતી અગવડતા અંગે માહિતી મેળવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.