ભાસ્કર વિશેષ:જિલ્લાકક્ષાના શાળાકીય રમતોત્સવમાં વણા હાયર સેકન્ડરી સ્કૂલનો દબદબો

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતર વણા ગામની શાળાના વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાના રમતોત્સવમાં ઝળક્યા હતા - Divya Bhaskar
લખતર વણા ગામની શાળાના વિદ્યાર્થીઓ જિલ્લાકક્ષાના રમતોત્સવમાં ઝળક્યા હતા
  • વણાની શાળાના 7 વિદ્યાર્થી રાજ્યકક્ષાએ પોતાનું કૌશલ્ય બતાવશે

લખતર તાલુકાનાં વણા ગામે આવેલ શાહ એમ.વી.ટી.હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ તાલુકામાં તો ઉત્તમ રમત દાખવી જિલ્લાકક્ષાએ ભાગ લીધો હતો. જ્યાં જિલ્લામાં પણ તેઓએ વણા ગામ તેમજ હાયર સેકન્ડરી સ્કૂલનો ડંકો વગાડ્યો હતો. જ્યાંથી આગામી સમયમાં વણા ગામની શાહ એમ.વી.ટી. હાયર સેકન્ડરી સ્કૂલના 7 વિદ્યાર્થી પોતાનું કૌશલ્ય બતાવવા રાજ્યકક્ષાએ જુદી જુદી રમતોમાં ભાગ લેશે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલું કૌશલ્ય બહાર આવે અને વિકસે તે માટે રમતોત્સવ શરૂ કરવામાં આવ્યો છે.

તે અંતર્ગત શાળાકીય રમતોત્સવમાં લખતર તાલુકાકક્ષાએ વણા ગામની શાહ એમ.વી.ટી. હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ જુદી જુદી રમતોમાં અવ્વલ આવ્યા હતા. તેઓએ જિલ્લાકક્ષાએ પણ પોતાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન બતાવતા ત્યાં વણા હાયર સેકન્ડરી સ્કૂલનો દબદબો રહ્યો હતો. જાણવા મળતી માહિતી મુજબ જિલ્લાકક્ષાએ 50 મી. બ્રેસ્ટ સ્ટ્રોક તરણ સ્પર્ધામાં શાળાનો મેટાલિયા ભગીરથ, 100 મી. ફ્રી સ્ટાઇલ તરણ સ્પર્ધામાં બાવળિયા સુજય, 200 મી.બ્રેસ્ટ સ્ટ્રોક તરણ સ્પર્ધામાં રોજાસરા ચિરાગ તથા 100 મી. દોડમાં બાવળિયા સુજયે જિલ્લામાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે.

આ તમામ વિદ્યાર્થીઓ આગામી સમયમાં રાજ્યકક્ષાએ યોજાનાર રમતોત્સવમાં ભાગ લેવા જશે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે વોલીબોલ અંડર-19 ભાઈઓ જિલ્લાકક્ષાએ વિજેતા બન્યા છે. તેમાં વણા શાહ એમ.વી.ટી. હાયર સેકન્ડરી સ્કૂલના 3 વિદ્યાર્થી રાણા મિતરાજસિંહ, રાણા ધર્મરાજસિંહ તથા ઝાલા હર્ષરાજસિંહ જિલ્લાની ટીમમાંથી રાજ્યકક્ષાએ રમવા જનાર છે. ત્યારે જિલ્લામાં અવ્વલ આવી વણા હાયર સેકન્ડરી શાળાના વિદ્યાર્થીઓ રાજ્યમાં તાલુકાનું તેમજ શાળાનું નામ રોશન કરશે.

અન્ય સમાચારો પણ છે...