તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:આચાર્યની અનેક રજૂઆતો છતાં ઓળક માધ્યમિક શાળાનો વહીવટ ખાડે ગયો

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆતોને લઇને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં
  • શાળાને તાળું મારી શાળાનું દફતર ટ્રસ્ટી પોતાનાં ઘરે રાખે છે

લખતર તાલુકાના ઓળક ગામે આવેલી હાઈસ્કૂલ ફરી એકવાર ચગડોળે ચડી બુમરાણો ઉઠી છે. જેમાં વિદ્યાર્થીઓના વાલીઓને સ્કૂલ લિવિંગ સર્ટિ માટે પણ ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદ પણ ઉઠી છે. તો વળી શાળાનું તમામ દફતર ટ્રસ્ટીના ઘરે હોવા અંગે આચાર્ય દ્વારા લખી અપાતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે. લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર 15 કી.મી. દૂર તાલુકાનું ઓળક ગામ આવેલું છે. આ ઓળક ગામે વર્ષોથી કદમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા માધ્યમિક શાળા ચલાવવામાં આવી રહી છે. છેલ્લા થોડા સમયથી આ શાળાના વહીવટ સામે પ્રશ્નો ઉભા થઇ રહ્યાં છે.

આ અંગે જાણવા મળતી માહિતી મુજબ શાળાના ટ્રસ્ટી દ્વારા ગેરશિસ્ત તેમજ વિવાદાસ્પદ વર્તન બાબતે શાળાના આચાર્ય કિરીટસિંહ રાઠોડ દ્વારા કલેકટર, જિલ્લા શિક્ષણાધિકારી, ધારાસભ્ય સહિતને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. ત્યારે જિલ્લા કલેકટરને ઉદ્દેશીને શાળાના આચાર્યએ લખેલ અરજીમાં જણાવ્યા પ્રમાણે ઓળક હાઈસ્કૂલનું બિલ્ડિંગ જર્જરિત થયું છે. તેમજ તા.2-7-19 થી શાળાનું દફતર ટ્રસ્ટી દ્વારા પોતાનાં ઘરે રાખવામાં આવે છે તેમજ શાળાનાં કાર્યાલયને તાળું મારી રાખવામાં આવ્યું છે.

તેથી તેઓનાં આવા વિવાદાસ્પદ વર્તન અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી રહી ન હોવાનું પણ અરજીમાં જણાવવામાં આવેલું છે. તો કાર્યાલયને તાળું મારેલું હોવાથી વિદ્યાર્થીઓના વાલીઓને પણ L.C. માટે ધરમધક્કા થતાં હોય તેનો પણ ઉલ્લેખ કરેલો જોવા મળે છે. ત્યારે શાળામાં લગભગ સુવિધાઓનો અભાવ હોવાથી વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફને અગવડતા પડતી હોવાનો ઉલ્લેખ પણ કરેલો છે.

તો આ અંગે યોગ્ય અને તાત્કાલિક કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. તો આ શાળા માટે બનનાર નવા મકાનની કામગીરી પણ સાતેક વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યાં નું જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટી દ્વારા કોમ્પ્યુટર રૂમને પણ તાળું કરવામાં આવેલું હોવાથી વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શિક્ષણ પૂરું પાડવામાં પણ અગવડતા પડી રહી હોવાનું જણાવ્યું છે. તો છેલ્લા સાતેક વર્ષથી ઇન્સ્પેક્શન પણ ન થયું હોવાનું જાણવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...