લખતર પંથકમાં રોગચાળો વકર્યો:સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોજની ઓપીડી 200એ પહોંચી

લખતર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મલેરિયા હાઈરિસ્ક વિસ્તારોમાં તંત્ર યોગ્ય સફાઈ કરાવે તેવી લોકમાંગ
  • તંત્ર દ્વારા મલેરિયા માટે હાઈરિસ્ક​​​​​​​ વિસ્તાર જાહેર કરાયો હોવા છતાં સફાઈ થતી નથી

લખતર પંથકમાં રોગચાળો ધીમે ધીમે વકરી રહ્યો હોય તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે. લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોજેરોજ દર્દીઓની થતી ભીડ જ રોગચાળો વકર્યો હોવાના સંકેત આપી રહી છે. ત્યારે શહેરના ઘણા વિસ્તારોમાં ગંદકીના કારણે પણ રોગચાળો વકર્યો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હાલમાં ચોમાસાની સીઝન ચાલી રહી છે. પરંતુ છેલ્લા થોડા દિવસોથી વરસાદે જાણે વિરામ લીધો હોય તેવો ઘાટ લખતર પંથકમાં સર્જાયો છે. ત્યારે વરસાદના વિરામ બાદ રોગચાળો વકરતો હોય છે. તેવી જ રીતે લખતર પંથકમાં પણ રોગચાળો વકરી રહ્યો છે.

લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર સોમવારે જ્યારે દવાખાનું ખુલે ત્યારે દર્દીઓની ભીડ જોવા મળતી હતી. પરંતુ હમણાં છેલ્લા થોડા દિવસોથી રોજેરોજ દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. ત્યારે હાલમાં વાયરલ ઇન્ફેક્શનના કેસો વધ્યા હોવાની માહિતી મળી હતી. મળતી વિગતો મુજબ પહેલા લખતર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રોજની 100-120 ની ઓ.પી.ડી. થતી હતી. પરંતુ છેલ્લા થોડા દિવસોથી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઓ.પી.ડી. નો લગભગ ડબલ એટલે 200ની આસપાસ પહોંચી રહ્યો છે. તેથી કહી શકાય કે લખતર પંથકમાં રોગચાળો ધીમે ધીમે વકરી રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય ગણાશે લખતર શહેરનાં ખાળીયા વિસ્તાર સહીત એકાદ-બે વિસ્તાર એવા છે કે જ્યાં છેલ્લા એકાદ મહિના કરતાં વધારે સમયથી રોડ ઉપર ગટરનાં ગંદા પાણી ભરાઈ રહેલા છે. તેનો નિકાલ કરવાની કે તેની ઉપર ચાલી શકાય અને પાણી પણ ન રહે તેવી કોઈ વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. જેને કારણે આ વિસ્તારમાં પણ રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. નોંધનીય છે કે આરોગ્ય તંત્ર દ્વારા મેલેરિયા માટે હાઈરિસ્ક વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હોવા છતાં યોગ્ય સફાઈ કામગીરી ન થતી હોય તેવી ફરિયાદો ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...