લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર પોલીસ સ્ટેશન જવા માટે એક નાળાનું કામ મંજૂર કરવામાં આવ્યું હતું. અને જૂના સતાધીશો દ્વારા બનાવી પણ દેવામાં આવ્યું અને કમ્પ્લિશન સર્ટિ. પણ આપી દેવાયું. આ નાળા પર પગથિયા જ નહોવાથી હાલ બિનોપયોગી ભાસે છે. લખતર સ્ટેશન રોડ ઉપર આવેલ તાલુકા પોલીસ સ્ટેશન જવા માટેના રસ્તાને જોડવા સરકારી તંત્ર દ્વારા એક નાળું મંજૂર કરવામાં આવ્યું હતું.
ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જૂના સત્તાધીશો દ્વારા બનાવવામાં પણ આવ્યું હતું. પરંતુ સરકારના નિયમ મુજબ આ નાળું બનાવવા મટે સ્થાનિક ગ્રામ પંચાયતે જ બનાવવું પડે. એકબાજુ સરકાર નિયમ બનાવે કે 5 લાખ સુધીના કામો સ્થાનિક પંચાયતે જ કરવાના હોય છે. આ જ સરકાર દ્વારા પંચાયતોમાં ક્યાંય ટેક્નિકલ સ્ટાફની જગ્યા જ ભરેલી હોતી નથી.
આથી પંચાયતના તમામ કામો પંચાયતના ચૂંટાયેલા સદસ્યોની નિગેહબાની હેઠળ કરાતા હોય છે. તેથી સાચી હકીકતની જાણ આ સભ્યોને ન હોવાથી તે આ નાળામાં દાખવવામાં આવેલ બેદરકારી જોઈ શકતા નથી. વાત એમ છે કે પંચાયત દ્વારા નાળું બનાવવામાં આવ્યું તો ખરા પણ નાળાની બંને બાજુ ખાઈ જગ્યા ન તો પૂરવામાં આવી કે ન તો પગથિયાં મૂક્યા હોય તેવો ઘાટ સર્જાયો છે.
છ મહિના પહેલા બનેલું આ નાળું હાલના સમયમાં પણ બિનોપયોગી શોભાના ગાંઠિયા સમાન છે. તો હજી સુધી નાળું ઉપયોગી થાય તેવું કામ પણ ન થયું હોવા છતાં કમ્પ્લિશન સર્ટિ. કેવી રીતે મળી ગયું. લખતર તાલુકા પંચાયતમાં બાંધકામ વિભાગમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા જયસ્વાલભાઈનો સંપર્ક કરતા તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. આથી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી હર્ષદભાઈ દેસાઈનો સંપર્ક સાધતા તેઓએ આ નાળાના ટેક્નિકલ અંગે કશું ન જાણતા હોવાનું જણાવી વધુમાં જણાવેલ કે અમારે વહીવટમાં કમ્પ્લિશન સર્ટિ. સાથે જ મતલબ હોય આથી વધુ મને જાણ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.