રોડ પર ખાડા કે ખાડામાં રોડ:ન્યાયમંદિર પાસેનાં રોડ ઉપર મોટા ખાડાઓ, કીચડનું સામ્રાજ્ય

લખતર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતર ન્યાય મંદિર રોડ ઉપરના ખાડામાં ભરાયેલા પાણી અને કીચડની તસવીર. - Divya Bhaskar
લખતર ન્યાય મંદિર રોડ ઉપરના ખાડામાં ભરાયેલા પાણી અને કીચડની તસવીર.
  • લખતર શહેરમાં સામાન્ય વરસાદમાં પણ રસ્તાઓ પર ખાડા, ત્યારે તંત્ર યોગ્ય ધ્યાન અપાતું નહીં હોવાથી પરેશાની

લખતર પંથકમાં સામાન્ય વરસાદમાં પણ રોડ રસ્તાઓ ઉપર ખાડાઓ પડી ગયા છે. ત્યારે તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં નહીં આવતાં વાહનચાલકોને પરેશાની ભોગવવી પડે છે. ત્યારે લખતર ન્યાયમંદિર પાસેના રોડ ઉપર પણ આવો જ ઘાટ સર્જાયો છે. આ રોડ ઉપર ખાડાઓ પડી જતાં વાહનચાલકો તેમજ આ રસ્તે આવેલી શાળાના વિધાર્થીઓને હાલાકી વેઠવી પડી રહી છે.લખતર શહેરનાં ન્યાયાલય અને જુગતરામ દવે પે.સેન્ટર શાળા નં.2 નજીકનાં રોડ ઉપર સર્જાયો છે. આ રોડ ઉપર શાળા અને ન્યાયાલય નજીક મોટા મોટા ખાડાઓ પડેલા છે.

જેમાં સામાન્ય વરસાદને કારણે પાણી ભરાઈ ગયું હોવાથી આ રસ્તે કીચડ ફેલાઇ ગયો છે. તેથી વકીલો, અરજદારો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે. ચાલીને જતાં હોય ત્યારે કોઈ વાહન બાજુમાંથી પસાર થાય તો પણ રાહદારીઓને કીચડ અને પાણી ઉડવાના બનાવો બન્યા છે. આથી યોગ્ય કાર્યવાહી કરી આ ખાડાઓ ઝડપથી બુરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.

ખાડામાં ફસાયેલા બાઈક અને તેને બહાર કાઢતા વિસ્તારના રહેવાસીઓ.
ખાડામાં ફસાયેલા બાઈક અને તેને બહાર કાઢતા વિસ્તારના રહેવાસીઓ.

ખાળિયા વિસ્તારમાં પાણીની લાઈન નાખ્યા બાદ બાઈક ફસાયું
લખતર શહેરમાં વાસમો દ્વારા પીવાના પાણીની લાઈન નાખવાનું કામ ચાલુ છે. ત્યારે ખાળિયા વિસ્તારમાં પહેલી જૂને કરવાનું કામ જુલાઈના છેલ્લાં સપ્તાહમાં કરાતાં અને તે સમય દરમિયાન વરસાદી સિઝન શરૂ થઇ છે. આથી રાહદારીઓ તેમજ રહેવાસીઓને કિચડમાંથી પસાર થવાનો અને વાહનચાલકોને પોતાના વાહનો ફસાતા પરેશાની ભોગવવાનો ઘાટ સર્જાયો છે.
દોઢેક વર્ષથી લખતર શહેરમાં વાસ્મોનું પાણીની લાઈન નાખવાનું કામ શરૂ છે. તે કામ લખતરના નિચાણવાળા ખાળિયા વિસ્તારમાં ચોમાસા પહેલા કરવાને બદલે ચોમાસા મધ્યે એટલે કે જુલાઈના અંતિમ સપ્તાહમાં કરવામાં આવતાં આ વિસ્તારમાં કાદવ કીચડ તો ફેલાઇ ગયો છે. ખાળિયા વિસ્તારમાં નાના રામજી મંદિર પાસે એક ખાડો કે જેના પર પાણી આવી ગયું હોવાથી લોકોને દેખાઈ રહ્યો ન હોય તેવી રીતે છે. જ્યાં તંત્રે સૂચના બોર્ડ કે સાઈન બોર્ડ મુકેલુ ન હોવાથી છેલ્લા 2 દિવસમાં લગભગ પાંચેક બાઈકસવારોના બાઈક ખાડામાં ફસાયા હતા. તો કેટલાક રાહદારીઓ પણ ત્યાં ખૂંપી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...