રજુઆત:મોંઘવારીમાં ઓછા ખર્ચે ભોજન બનાવવું શક્ય ન હોવા સહિતના મુદ્દે આવેદન

લખતર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતરમાં આંગણવાડી હેલ્પર-વર્કરો બહેનોએ પ્રદર્શન કર્યું હતું - Divya Bhaskar
લખતરમાં આંગણવાડી હેલ્પર-વર્કરો બહેનોએ પ્રદર્શન કર્યું હતું
  • લખતર અને સાયલા તાલુકાઓમાં આંગણવાડી બહેનોએ સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું

સમગ્ર રાજ્યના આંગણવાડી કર્મચારીઓએ માગણીઓ સંતોષવા હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે ત્યારે જિલ્લાના લખતર, ચુડા અને સાયલાના આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ આવેદનો આપ્યાં છે. ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ લખતર તાલુકા મામલતદારને આવેદન અપાયું હતું. આ સમયે આંગણવાડી બહેનોએ સૂત્રોચ્ચારો કર્યા હતા. એ જ રીતે, સાયલા તાલુકામાં કર્મચારીઓએ વિરોધ સાથે રજૂઆત કરી છે અને માગણી સ્વીકારવામાં ન આવે તો 15 સપ્ટેમ્બરથી આંદોલનની ચીમકી આપી છે.

સાયલામાં મભો સંચાલકોએ પડતર પ્રશ્નોની રજૂઆ કરી હતી.
સાયલામાં મભો સંચાલકોએ પડતર પ્રશ્નોની રજૂઆ કરી હતી.

લખતરમાં શુક્રવારે બહેનોએ મામલતદારને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં આંગણવાડી વર્કરોને રૂ. 7800 મળે છે. તેમાં વધારો કરી રૂ. 12,000 કરવા. હેલ્પર બહેનોને મળતા રૂ. 3900માં વધારો કરી રૂ. 7500 કરવા માંગ કરાઈ હતી. આ ઉપરાંત દિલ્હીમાં આપ સરકાર, હરિયાણામાં ભાજપ સરકાર સહિત 11 રાજ્યની સરકાર રૂ. 11,000 કરતાં વધારે આપતી હોવાનું જણાવ્યું હતું. આંગણવાડી વર્કરોને 2019માં અપાયેલા મોબાઇલ ચાલતા જ ન હોઈ સારી કંપનીના મોબાઇલ આપવા માંગ કરી છે. વધુમાં, વયમર્યાદા વધારવા, જિલ્લા-તાલુકા ફેરબદલીની તક, પેન્શન પ્રોવિડન્ડ ફન્ડ યોજના લાગુ કરવા સહિતની 9 માંગ કરાઈ છે.

સાયલા તાલુકાની પ્રાથમિક શાળામાં 116 કેન્દ્રોમાં અંદાજિત 16 હજારથી વધુ વિદ્યાર્થી મધ્યાહ્્ન ભોજનનો લાભ મેળવી રહ્યા છે. કેન્દ્રમાં સંચાલક, રસોઈયા અને મદદનીશની નિમણૂક કરાઈ છે. સંચાલકો માનદ વેતન તરીકે માત્ર રૂ. 1600, રસોઈયાને 500થી 1400 અને મદદનીશને 300થી 1400 સુધીનો પગાર ચૂકવે છે. આ બાબતે સમાન કામ, સમાન વેતન મુજબ લઘુતમ વેતન આપવાની રજૂઆત એળે જતાં આગેવાનોએ મુખ્યમંત્રીને લઘુતમ વેતન અને મોંઘવારીના સમયમાં ઓછા ખર્ચે નાસ્તો અને ભોજન બનાવવું અશક્ય હોઈ જથ્થો અને પેશગી વધારવા અને મોંઘવારીના દર મુજબના વધારાની રજૂઆત કરી હતી. અમુક જિલ્લામાં થયેલા ખાનગીકરણનો પણ વિરોધ દર્શાવ્યો હતો.

ચુડાના મધ્યાહ્્ન ભોજન સંચાલકો પણ આવેદન આપશે
જિલ્લાના મજદુર સંઘના મંત્રી જગદીશભાઈના જણાવ્યા મુજબ 12 સપ્ટેમ્બરે કલેકટર કચેરીએ ચુડાના મધ્યાહ્્ન ભોજન સંચાલકો એકઠા થશે અને મહેનત કરતાં વેતન સામાન્ય અપાતું હોવાના મુદ્દે વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને આવેદન આપશે. જો માગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલન કરાશે, તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...