લોકોને પરેશાની:લખતર પાંજરાપોળ નજીક કાદવ-કીચડનું સામ્રાજ્યથી રોષ

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતરમાં નમાજ અદા કરીને પરત ફરતા લોકો અને વચ્ચે કીચડ. - Divya Bhaskar
લખતરમાં નમાજ અદા કરીને પરત ફરતા લોકો અને વચ્ચે કીચડ.
  • કબ્રસ્તાન, મોક્ષધામ જવાનો મુખ્ય રસ્તો હોવાથી પરેશાની

લખતર શહેરનાં પાંજરાપોળ પાસે ભારે કાદવ અને કીચડનાં કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો દર વર્ષે સામાન્ય વરસાદમાં આવી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં તંત્ર દ્વારા આ વિસ્તાર ઉપર કોઈ ધ્યાન આપવામાં ન આવતું હોય તેવો ઘાટ સર્જાયેલો છે. તો તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઊઠી છે.

સરકાર દ્વારા સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારતના બણગા ફૂંકવામાં આવે છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદમાં જ પરિસ્થિતિ કંઇક અલગ સર્જાય છે. ત્યારે લખતરમાં સિઝનનો છૂટો છવાયો વરસાદ માંડ કુલ 150 મીમી જેટલો નોંધાયો છે. પરંતુ તેમ છતાં લખતરના અનેક વિસ્તારોમાં કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે.

તેમાં પણ ખાસ કરીને પાંજરાપોળ નજીક કાદવ કીચડ થતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં એટલી હદે કીચડ થયો છે કે તેમાં વાહનો પણ ખૂંચવાના બનાવો બન્યા છે. તો લોકોને પણ તેમાંથી ચાલવાનો વારો આવે છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે આ પાંજરાપોળ પાસેથી પસાર થતો લખતરમાં મોક્ષધામ તેમજ કબ્રસ્તાન જવાનો મુખ્ય રસ્તો છે.

તેના કારણે અંતિમ યાત્રા સમયે પણ આવા કીચડમાંથી પસાર થઈને જવું પડતું હોવાથી લોકોમાં ભારે રોષની લાગણી ફેલાયેલી છે. તો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ રસ્તા ઉપર યોગ્ય કાર્યવાહી કરી કીચડ દૂર કરવામાં આવે તેવી લોકમાગ છે.

અન્ય સમાચારો પણ છે...