રજૂઆત:ઢાંકી ગામે બસ ફાળવો, સ્ટોપેજ નહીં આપો તો બસ રોકો આંદોલન કરીશું : વિદ્યાર્થીઓ

લખતર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઢાંકી ગ્રામપંચાયત દ્વારા વાહન વ્યવહાર વિભાગના મંત્રીને રજૂઆત

લખતર તાલુકાના ઢાંકી ગામે બસ ફાળવવા તેમજ શરૂ છે તે બસનો સમય વહેલો કરવા અને ઢાંકી ગામે ઉમઇનગરમાં સ્ટોપ આપવા માટે ઢાંકી ગ્રામપંચાયત દ્વારા વાહન વ્યવહાર વિભાગના મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત બસને સ્ટોપ આપવામાં નહીં આવે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

લખતર તાલુકામથકથી પંદરેક કીમી દૂર તાલુકાનું ઢાંકી ગામ આવેલું છે. જ્યાં સુરેન્દ્રનગર-ઢાંકી રૂટની બસ આવે છે. પરંતુ આ બસ સવારે 10:45ના સમયે ઢાંકીથી નીકળતી હોવાથી શાળાએ અને કોલેજ અર્થે વિદ્યાર્થીઓ સુરેન્દ્રનગર-લીલાપુર-લખતર રોજ અપડાઉન કરે છે. પરંતુ બસ 10:45ના સમયે હોવાથી સુરેન્દ્રનગર કે લખતર સમયસર વિદ્યાર્થીઓ પહોંચી શકતા ન હોવાથી તે બસનો સમય વહેલો કરવા અને ઢાંકી ગામનાં શરૂઆતમાં જ આવેલા ઉમઈનગરે બસ ઉભી ન રહેતી હોવાથી વિદ્યાર્થીઓને 1 કીમી દૂર ચાલીને જવું પડે છે. તેથી ઉમઈનગર નજીક સ્ટોપ આપવા ઢાંકી ગ્રામપંચાયતના સરપંચ પ્રભુભાઈ મકવાણા દ્વારા વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશભાઈ મોદીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તો સાંજના સમયે વિદ્યાર્થીઓને ઢાંકી પરત ફરવા માટે એકપણ એસટી બસ નથી. તેથી સાંજના સમયે એક ઢાંકીના રૂટની બસ શરૂ કરવા પણ મંત્રીને સરપંચ દ્વારા કરવામાં આવેલ લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે.

આ અંગે ગામનાં સરપંચ પ્રભુભાઈ મકવાણાએ જણાવ્યું કે અમોએ તથા તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિ ચેરમેન દ્વારા આ અંગે ડેપો મેનેજરને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં મંત્રીને લેખિત રજૂઆત કરી છે. તો ઉમઈનગર સ્ટોપ ન હોવાથી વિદ્યાર્થીઓ બસ ઊભી રાખવા રજૂઆત કરે તો ડ્રાઈવર દ્વારા હવે રજૂઆત કરશો તો બસ બંધ કરી દઈશું તેવું પણ જણાવવામાં આવતું હોવાનો ઉલ્લેખ લેખિત રજૂઆતમાં કરવામાં આવેલો છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે જો ઉમઈનગર નજીક બસને સ્ટોપ આપવામાં નહિ આવે તો આગામી સમયમાં વિદ્યાર્થીઓ દ્વારા બસ રોકો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...