માંડે પોઝિટિવ:લખતરનું આદલસર ગામ 24 કલાક પાણીની સુવિધાવાળું બનશે

લખતર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં અવ્વલનું પ્રમાણપત્ર મળ્યું. - Divya Bhaskar
જિલ્લામાં અવ્વલનું પ્રમાણપત્ર મળ્યું.
  • ગામને પાણીની સગવડતા માટે જિલ્લામાં અવ્વલનું પ્રમાણપત્ર મળ્યા બાદ વાસ્મોની યોજના મળી
  • ગામમાં ઘરે-ઘરે પાણીનાં મીટર લાગ્યા, પાણીનો બગાડ અટકશે અને 24 કલાક પાણી મળશે

લખતર તાલુકાનું આદલસર ગામ પાણીની સુવિધાના કારણે જિલ્લામાં હરણફાળ ભરી રહ્યું છે.ગામનાં સતત પ્રયત્નશીલ અને યુવા સરપંચના સતત પ્રયાસો થકી ગામને 24 કલાક પાણી પૂરું પાડવા માટે વાસ્મોની યોજનાનો લાભ લઈ કામગીરી પૂર્ણ કરી દીધી છે. જેના થકી પાણીનો બગાડ અટકશે અને ગામને પાણીની સુવિધા 24 કલાક મળી રહેશે. આ કામગીરીને કારણે ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે.

ઝાલાવાડ પહેલાં ‘ન પાણિયા’ મલક તરીકે ઓળખાતું હતું.પરંતુ નર્મદાની નહેર ઝાલાવાડમાંથી પસાર થતા જ હવે “પાણિયારું” ઝાલાવાડ બની ગયું છે. ત્યારે તેમાં પણ ગામનાં પ્રથમ નાગરિક ગણાતા તેવા સરપંચ જો કાર્યશીલ અને ગામને આગળ લાવવાની ધગશ રાખતા હોય તો તે ગામને કેટલી સુવિધા પૂરી પાડી શકે તેનું ઉમદા ઉદાહરણ લખતર તાલુકાનું આદલસર ગામ પૂરું પાડે છે.

જ્યાં ગ્રામપંચાયતની સારી કામગીરીની કારણે વર્ષ-2016માં સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની સગવડતા માટે પ્રથમ ક્રમાંક મેળવતા સન્માન કરી પ્રમણમત્ર આપવામાં આવ્યું હતું. આ પ્રમાણપત્ર અને પંચાયતની કામગીરીને ધ્યાને લઇ પાણીની અન્ય સુવિધા માટે સરકાર દ્વારા યોજના આપવામાં આવી છે. આ યોજનામાં ગામમાં ઘરે-ઘરે પાણી માટેનાં મીટર લગાવવામાં આવ્યા છે. જેના થકી ગ્રામજનોને પાણી જ્યારે જોઈ ત્યારે મળી રહે. જે કામગીરીને કારણે ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.

પાણીની સગવડતા માટે અગાઉ જિલ્લામાં પ્રથમ સ્થાન મળ્યું હતું
અમને પાણીની સગવડતા માટે અગાઉ જિલ્લામાં પ્રથમ સ્થાન મળ્યું હતું. જેના કારણે વાસ્મોની ગામને 24 કલાક પાણી પૂરું પડી રહે તે યોજનાનો લાભ મળ્યો હતો. તેથી અમોએ હાલમાં પાણી માટેના મીટર લગાવી દીધા છે. ટુંક સમયમાં જ આ યોજના કાર્યરત થઇ જશે. તો જિલ્લામાં 24 કલાક પાણીની સુવિધાવાળું આદલસર લગભગ પ્રથમ ગામ બનશે જેનાથી લોકોને ઘણો ફાયદો થશે. > જીતેન્દ્રભાઈ (રાજુભાઈ) લકુમ, સરપંચ, આદલસર ગ્રામપંચાયત

પાણી હવે માત્ર હાથ વેંતમાં જ હશે
અમારા ગામમાં પાણી માટે ગ્રામપંચાયત તથા વાસ્મોના ઉપક્રમે નવી યોજના આવી છે. હવે ગ્રામજનોને 24 કલાકમાં ગમે ત્યારે પાણી જોઈતું હોય તો તે હવે માત્ર હાથ વેંતમાં જ હશે. > વાઢેર મયુરભાઈ તથા ગોહિલ વિજયભાઈ, ગ્રામજનો, આદલસર

અન્ય સમાચારો પણ છે...