લખતર તાલુકાના ઢાંકી ગામે બનાવવામાં આવેલ અમૃત સરોવરમાંથી પાણી લેવામાં આવતું હોવાનો એક વીડિયો ફરતો થયો હતો. મળતી માહિતી મુજબ ગ્રામપંચાયત દ્વારા સરોવરમાંથી પાણી ન લેવાનું જણાવવા છતાં અમુક શખ્સો દ્વારા પાણી લેવાની પ્રવૃત્તિ શરૂ હોવાથી સરપંચે તેવા શખ્સો સામે કાયદાકીય પગલાં લેવાની પણ તૈયારી દર્શાવી હતી. આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી અન્વયે 15 ઓગષ્ટ 2022 પહેલાં સરકાર દ્વારા અમૃત સરોવર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર તાલુકાના સાકર અને ઢાંકી ગામને પણ અમૃત સરોવર બનાવવામાં સ્થાન મળ્યું હતું. તે મુજબ બંને ગામોએ અમૃત સરોવર બનાવ્યા હતા. અને તે જગ્યાએ ધ્વજ વંદન પણ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ઢાંકી ગામે અમૃત સરોવરમાંથી મશીન દ્વારા પાણી લેવામાં આવતું હોવાનો વિડિયો વાયરલ થયો છે.
આ વીડિયો ગ્રામપંચાયત દ્વારા જ વાયરલ થયો હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે ઢાંકી ગામનાં સરપંચ પ્રભુભાઈ મકવાણાએ જણાવ્યું કે ગ્રામપંચાયત દ્વારા ગામલોકોને અમૃત સરોવરમાંથી પાણી ન લેવા જણાવવામાં આવ્યું છે. તેમ છતાં અમુક શખ્સ મશીન દ્વારા પાણી લેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે તેઓ જાતે આ મશીન નહીં હટાવે તો પંચાયત દ્વારા કાર્યવાહી કરવામાં આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.