લખતર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં એરંડા વેચવા આવેલ ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. યાર્ડમાં એરંડાનાં ભાવ એકસાથે 200-250 જેટલા ઘટી જતા ખેડૂતોએ ટેકાનાં ભાવે ખરીદી શરૂ કરવામાં આવે તેવી માગ કરી હતી.
લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ આવેલું છે. જ્યાં હાલમાં એરંડાની ખરીદી થઇ રહી છે. જેમાં એરંડાનાં ભાવ એકાએક ઘટી જતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. લખતર એરંડાની ખરીદી શરૂ થઇ તે સમયે રૂ.1500 જેટલા ભાવે એરંડાની ખરીદી થતી હતી. ત્યારબાદ જેમ-જેમ એરંડાનું ઉત્પાદન વધતા એરંડાનાં ભાવ ધીમે ધીમે રૂ. 1450 અને 1400 થયા હતા. બાદમાં તા.3 માર્ચ 2023એ ખેડૂતો એરંડા વેચવા આવ્યા ત્યારે ભાવ એકાએક ઘટી રૂ. 1200-1250 કહેવામાં આવતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. જેથી ખેડૂતોએ એરંડાની ટેકાનાં ભાવે ખરીદી કરવામાં આવે તેમજ ટેકાનો ભાવ રૂ. 1500 રાખવામાં આવે તેવી માગ કરી હતી.
આ અંગે ખેડૂત ભુપેન્દ્રસિંહએ જણાવ્યું હતું કે હાલ એરંડાનાં ભાવ રૂ. 1200ની આજુબાજુ છે. જયારે એરંડાનાં ખેતરમાં હતા ત્યારે ભાવ રૂ. 1450 થી વધુ હતા. હાલમાં ડીઝલ, ખાતરનાં ભાવ વધી ગયા હોવાથી ખેડૂતોને ખોટ જઈ રહી છે. તેથી સરકાર યોગ્ય કાર્યવાહી કરે તેવી માગ છે.
રૂ.1500ના ભાવે ખરીદ થાય તેવી ગોઠવણ કરી
સરકાર દ્વારા એરંડાને એમ.એસ.પી.(મિનિમમ સ્પોર્ટ પ્રાઇસ)માં સમાવેશ કરી એરંડાને રૂ.1500ના ભાવે ખરીદ થાય તેવી ગોઠવણ કરી ખેડૂતોને ટેકાના ભાવે એરંડા ખરીદી સહાયરૂપ થાય તેવી ખેડૂતોએ લાગણી સાથે માંગણી કરી છે.> હિતેન્દ્રસિંહ એમ.ઝાલા, ચેરમેન, APMC-લખતર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.