સારવાર:વોટ્સ અપમાં ગ્રુપ બનાવી રોજ 3-4 ગામમાં લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર કરતા 15 યુવાન

લખતર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લખતર તાલુકાના મોઢવાણા ગામનું ગોગાધામ યુવા ગ્રુપ લમ્પીગ્રસ્ત ગાયોની વહારે આવ્યું

લમ્પી વાયરસે રાજ્યમાં ગાયોને ભારે અસર કરી છે. ત્યારે લખતર તાલુકામાં પશુ વિભાગની રસીકરણની ઉત્કૃષ્ટ કામગીરી તો થઈ જ છે. પરંતુ લમ્પીગ્રસ્ત ગાયોની સારવાર માટે લખતર તાલુકાના મોઢવાણા ગામનું ગોગાધામ યુવા ગ્રુપ આગળ આવ્યું છે. તે ગ્રુપ દ્વારા આસપાસનાં ગામોમાં જઈ ગાયોની નિ:શુલ્ક દેશી પદ્ધતિથી સારવાર કરવામાં આવી રહી છે. જેઓ એક દિવસમાં બે-ત્રણ ગામોમાં જઈ ગાયોની સારવારની કામગીરી કરી રહ્યા છે.

સમગ્ર રાજ્યમાં લમ્પી વાયરસનાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. તો જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં લમ્પી વાઈરસની ભારે અસર દેખાઈ હતી. જેના કારણે રાજ્યમાં સેંકડો ગાયોનાં મોત પણ થયા છે. ત્યારે લખતર તાલુકાનાં મોઢવાણા ગામનું ગોગાધામ યુવા ગ્રુપ લમ્પીગ્રસ્ત ગાયોની વહારે આવ્યું છે. રોજબરોજ લમ્પી વાયરસનાં વધતા કેસો અને ખાસ કરીને રખડતા ગાય કે આંખલા કે જેનું કોઈ ધણી ધોરી ન હોય તેવા પશુની મદદ કરવાનો વિચાર આવતાં તેની વિનામૂલ્યે આયુર્વેદિક પદ્ધતિથી સારવાર કરવાનું શરૂ કર્યું હતું.

આ ગોગાધામ યુવા ગ્રુપમાં લખતર તાલુકાના મોઢવાણા તેમજ બજરંગપુરા ગામનાં પંદરેક યુવાનો સેવા આપી રહ્યા છે. તેઓ દ્વારા વોટસએપ થકી તેઓનું ગ્રુપ વિનામૂલ્યે સારવાર કરતું હોય જ્યાં લમ્પીગ્રસ્ત ગાય કે આંખલા હોય તો ફોન કરવા જણાવવું તેવો મેસેજ વાયરલ કર્યો હતો. જેથી તેઓને રોજે ફોન આવી રહ્યા છે. તેઓએ રખડતા ગાય અને આંખલાની સારવાર થી કામગીરી શરૂ કરી હતી.

તે સમયે ગાયોનાં માલિકોને દેશી પદ્ધતિથી સારવાર ઉપર વિશ્વાસ ઓછો હોવાથી ઘરે અમુક લોકો બોલાવતાં ન હતા. પરંતુ તેઓની આ દેશી પદ્ધતિથી સારવાર કારગત નીવડતી હોવાનું લોકોને ધ્યાને આવતા હવે લોકો ઘરે પણ સારવાર માટે ગ્રુપને બોલાવે છે. મોઢવાણા ગામનું ગોગાધામ યુવા ગ્રુપ લખતર તાલુકાના જ નહિ પરંતુ આસપાસનાં તાલુકાનાં ગામડાઓ કે જ્યાંથી ફોન આવે ત્યાં સારવાર માટે પહોંચી જાય છે. અત્યાર સુધીમાં તેઓએ લખતરના અનેક ગામડાઓ સહિત આસપાસનાં તાલુકાનાં ભારદ, દાણાવાડા, અણીન્દ્રા જેવા ગામોમાં પણ સારવાર માટે જઈ અંદાજે 100થી વધુ ગાયોની સારવાર કરી છે. આ ગ્રુપના સેવાકાર્ય ની લોકો સરાહના કરી રહ્યા છે.

સવારે કર્મ, રાત્રે ધર્મ
મોઢવાણાના ગોગાધામ યુવા ગ્રુપના સભ્યો સવારે કામ કે ધંધો કરતા હોય ત્યાં જાય અને સાંજે ત્યાંથી આવી બધા સાથે મળી દેશી પદ્ધતિથી સારવાર માટેની દવા બનાવે છે. બાદમાં રાત્રે ગાયોની સારવાર કરવા વાહન લઇને જાય છે. 1 દિવસમાં 2 થી 3 ગામોમાં ગાયોની સારવાર કરે છે.

દેશી પદ્ધતિથી સારવાર
દેશી પદ્ધતિથી સારવાર કરવા માટે હળદર, મરી પાવડર, ગોળ, ગળોનો પાવડર, ગાયનું ઘી, છાશનો ઉપયોગ કરી લાડવા બનાવી અસરગ્રસ્ત ગાયને ખવડાવવામાં આવે છે. તો સ્પ્રે બનાવવા માટે ગરમ પાણીમાં લીમડાના પાન નાંખી ઉકાળી, ફટકડી તેમજ પીપી પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...