ચુડા તાલુકાના લાલિયાદ ગામમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા 7 દિવસથી પાણી નહીં અપાતું હોવાની રાવ ઊઠી છે. પાણીની સમસ્યા હલ કરવા માટે સરપંચ સહિત ગ્રામજનો વડોદ ડેમે પહોંચી રજૂઆત કરી હતી. ચુડા તાલુકાના 1500 લોકોની વસ્તી ધરાવતા લાલિયાદ ગામમાં વડોદ ડેમથી પાણી પૂરું પાડવામાં આવે છે.
પરંતુ પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓના અણઆવડત ભર્યાં વહીવટને કારણે 7 દિવસથી લાલિયાદ ગામમાં પાણી નહીં મળતાં ગ્રામજનોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. ભર ઉનાળે પાણીની સમસ્યા સર્જાતા ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લાલિયાદ ગામના સરપંચ હેતલબાના પતિ અલ્પરાજસિંહ ઝાલા ગ્રામજનો સાથે વડોદ ડેમે ધસી આવ્યા હતા. પાણી આપવા માટે અધિકારીને રજૂઆત કરી હતી.
આ અંગે અલ્પરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે વડોદ ડેમથી હાઈવે અને ઉઘલ, બોરાણા ગામમાંથી પસાર થઈને લાલિયાદ ગામમાં પાણી પહોંચે છે. આ લાઈનમાંથી હાઈવ ઉપરની હોટલોમાં પાણી આપવામાં આવે છે. પરંતુ અમને છેલ્લા 7 દિવસથી પાણી અપાતું નથી. મોટાભાગે રાતે પાણી આપવામાં આવે છે.
ગામડામાં રાતે પાણીનું વિતરણ કેવી રીતે કરવું તે સમજાતું નથી. અમે પાણી માટે રજૂઆત કરીએ તો પાણી પુરવઠા બોર્ડના અધિકારી ઉડાવ જવાબ આપી દે છે. જો નિયમિત પાણી નહીં મળે તો નછૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.