ચૂંટણી:ચુડા ગામનાં સરપંચ બનવા 8થી વધુ દાવેદારો મેદાનમાં ઉતરે તેવી શક્યતા

ચુડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી છતાંય અંદર ખાને પ્રચાર શરૂ

રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં નથી આવી ત્યાં તો જિલ્લાની મોટી ગ્રામ પંચાયતો પૈકીની 1 ચુડા ગ્રામ પંચાયતના સરપંચ બનવા અંદરખાને પ્રચાર શરૂ થઈ ગયો છે. 22 હજારથી વધુ લોકોની વસતી ધરાવતા ચુડા ગામનાં સરપંચ બનવા માટે 8થી વધુ મુરતિયા મેદાનમાં ઉતરે તેવી પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે.

ચુડા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની અવધિ આગામી ડિસેમ્બર મહિનામાં પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે 22 હજારથી વધુ લોકોની વસતી ધરાવતા ચુડા ગામના સરપંચ બની મોભાદાર પદ મેળવવા 8થી વધુ દાવેદાર મેદાનમાં ઉતરે તેવી શક્યતા જોવા મળી રહી છે.

18 વોર્ડ ધરાવતી ગ્રામ પંચાયતમાં દબદબો જમાવવા હજી ભાજપ-કોંગ્રેસ ખુલ્લીને મેદાનમાં આવ્યા નથી. પરંતુ આગળના સમયમાં આવશે તે લગભગ નક્કી જેવું છે. કદાચ ચૂંટણી બાદ પોતાનો સરપંચ વિજયી બન્યો તેવો જશ ખાટવા આવે તો પણ નવાઈ નહીં.

ચુડાના ગ્રામજનો શિક્ષિત અને ગામનો વિકાસ કરી શકે તેવાં સરપંચ મળે તેવી આશા બાંધીને બેઠા છે. અત્યારથી જે રીતે સોગઠાં ગોઠવાઈ રહ્યા છે તે પ્રમાણે આવતાં સમયમાં ચુડા ગ્રામ પંચાયતની ચૂંટણી રસપ્રદ બનશે તેમાં બે મત નથી.

જોરાવરપરા, લાલપરા સહિતના અનેક વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ
ચુડા ગામના જોરાવરપરા, લાલપરા, માખણ, વિજયનગર, શ્રવણ શેરી સહિતના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. બાપાસીતારામની મઢુલી પાછળના વિસ્તારમાં તો રોડ, ગટર નહીં પણ આજદિન સુધી પાણીની લાઈન પણ નથી. વિસ્તારના લોકોએ પહેલા પ્રાથમિક સુવિધા નહીં મળે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

સરપંચના 5 વર્ષ વિવાદથી ઘેરાયેલા હતા
ગત ચૂંટણીમાં હિતેન્દ્રસિંહ ઝાલાને ચુડાના ગ્રામજનોએ સરપંચ તરીકે પસંદ કર્યાં હતા. 2 વર્ષ બાદ આંતરિક ખેંચતાણ અને ગામમાં વિકાસના કામો નહીં થતા હોવાની રાવ સાથે પંચાયતના સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકી તા.26 જુલાઈએ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરી હિતેન્દ્રસિંહને સરપંચ પદથી દૂર કર્યાં હતા. સરપંચની સત્તા ઉપસરપંચ મુકેશભાઈ લકુમને સોંપાઈ હતી. તા.22 મે-2021 ઈ.સરપંચ મુકેશભાઈ દલવાડીએ પણ સ્વાસ્થ્યનું કારણ ધરી રાજીનામુ ધર્યું હતું. બાદમાં મોવડી મંડળની સમજાવટથી રાજીનામું પાછું ખેંચી લીધું હતું.

અન્ય સમાચારો પણ છે...