ચુડા તાલુકાના નવી મોરવાડ ગામના પાટિયા પાસે આવેલી હોટેલના સંચાલકે ચોરીને ભેગું કરેલું 900 કિલો લોખંડના સળિયા ઝડપાયા હતા. લીંબડી DYSP સ્કવોર્ડે દરોડો પાડીને 2 ટેલર, લોખંડ સહિત 48 લાખથી વધુના મુદ્દામાલ સાથે લોખંડના સળિયાની ચોરી કરનાર 4ને ઝડપી લીધા હતા.
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર ચુડા તાલુકાના નવી મોરવાડ ગામના બોર્ડ પાસે આવેલી શિવકૃપા હોટેલનો સંચાલક પુરણ લક્ષ્મણસિંહ રાજપૂત રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં લોખંડના સળિયાની ચોરી કરી લોકોને બજાર કિંમતથી સસ્તા ભાવે વેચાણ કરતો હોવાની લીંબડી DYSP સી.પી.મુંધવાને બાતમી મળી હતી. સી.પી.મુંધવાના માર્ગદર્શન હેઠળ DYSP સ્કવોર્ડની ટીમે શિવકૃપા હોટેલના કમ્પાઉન્ડમાં દરોડો પાડ્યો ત્યારે 4 શખસ ટ્રકોમાંથી લોખંડની ભારીઓ ખેંચતા નજરે હતા. પોલીસને જોઈ જતાં ચારેયે ભાગવાની કોશિશ કરતા પોલીસે ઝડપી લીધા હતા. 1 શખસે ઓળખ આપી જણાવ્યું કે શિવકૃપા હોટેલનો સંચાલક પુરણ રાજપૂત છે.
લોખંડના સળિયાનું વહન કરનાર ચાલકો સાથે સાંઠગાંઠ કરીને છેલ્લા ત્રણેક મહિનાથી ચોરી કરતો હોવાનું કબૂલ્યું હતું. પકડાયેલા ટ્રકચાલક ગુરપ્રીત શીખ ક્લિનર સાથે મળીને સળિયા કિલોએ રૂ.30 હોટેલના સંચાલકને આપતો હતો. અન્ય ટ્રકચાલક બલવીન્દર મેલારામ, ક્લિનર સાહીલ બલદેવરાજ હોટેલના સંચાલકને સળિયા રૂ.30 કિલોએ આપતો. કમ્પાઉન્ડમાંથી ચોરી કરેલું 900 કિલો લોખંડના સળિયા, 2 ટ્રક, મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત 48,84,216 રૂ.ના મુદ્દામાલ સાથે ચારેયને ઝડપી લઈ ચુડા પોલીસ મથકે સોંપાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.