ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે 10 વર્ષોથી ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ જ નહીં હોવાથી ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. પાંચેક વર્ષ પહેલા ગ્રામ પંચાયતના બિલ્ડિંગના બાંધકામ અધૂરું મુકી કોન્ટ્રાક્ટરે ચાલતી પકડી હતી. અધુરી છોડેલી બિલ્ડિંગના બાંધકામનું શરૂ કરવા માટે તાલુકા પંચાયતના સદસ્યએ ટીડીઓને રજૂઆત કરી છે.
ગ્રામજનોની અનેક રજૂઆતો બાદ 6 વર્ષ પહેલા પંચાયત ઘર બનાવવાની મંજૂરી મળી હતી. કોન્ટ્રાક્ટરે પંચાયત બનાવવાની કામગીરી હાથ ધરી હતી. પરંતુ કોઈ કારણોસર કોન્ટ્રાક્ટરે પંચાયત ઘરનું બાંધકામ અધૂરું મુકી દીધું હતું. છેલ્લા પાંચેક વર્ષથી ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ અધૂરી હાલતમાં છે. આ અંગે નવી મોરવાડની બેઠકના તા.પંચાયત સભ્ય રિનાબેન રસીકભાઈ કારોલીયાએ ટીડીઓને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે 4,500 લોકોની વસ્તી ધરાવતા નવી મોરવાડ ગામે 10 વર્ષથી પંચાયત ઘર નથી.
રેશનકાર્ડ, ઓનલાઈન અરજી, ખેડૂતોને 7/12, 8-અ સહિત ઉતારાના દાખલા કઢાવવા 17 કિમી દૂર ચુડા ધક્કા ખાવા પડે છે. પંચાયતની ઓફિસ નહીં હોવાથી વીસીઈ પણ નથી. ટૂંક સમયમાં ગ્રામ પંચાયતનું અધુરું રાખેલ બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ કરાવવા રજૂઆત કરી હતી.
ભટકીને કામ કરીએ છીએ
15 વર્ષથી પંચાયત ઘર નથી. ગયા 5 વર્ષ પહેલા પણ હું સરપંચ હતો. આ વખતે હું બીજીવાર સરપંચ બન્યો છું. અનેક રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી. પંચાયત ઘર નહીં હોવાથી બિલાડીના બચ્ચાં જેમ આમ તેમ ભાટકીને કામ રેડવીએ છીએ. ભાડના મકાનમાં કે શરમે કોઈના ઘરેથી વહીવટ ચાલે છે. પણ હવે થાક્યા છીએ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં દેખાડી દેશું. > ભૂપતભાઈ માત્રાણિયા, સરપંચ, નવી મોરવાડ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.