ચુડાની સી.ડી.કપાસી હાઈસ્કૂલમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં અભ્યાસ કરાવતાં મદદનીશ શિક્ષક સુરેશભાઈ બી. ધોરિયાએ ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક નવતર પ્રયોગ હાથ ધરાયો છે. ધો.10ની સામાજિક વિજ્ઞાન વિષયની સ્વાધ્યાયપોથીનું નિર્માણ જાતે કરેલ છે અને તે પણ ક્યુઆર કોડ સાથેની છે.
વર્તમાન સમયમાં શિક્ષણ મોંધુ થઈ રહ્યું છે આ સમયે ગરીબ અને મધ્યમવર્ગના કુટુંબના બાળકોએ ખાનગી પ્રકાશકોની સ્વાધ્યાયપોથીઓ ખરીદવી મુશ્કેલ સાબિત થાય છે. આ મુશ્કેલી દૂર કરવા ચુડા સી.ડી.કપાસી હાઈસ્કૂલના શિક્ષક સુરેશભાઈ ધોરિયાએ વર્ષ-2006થી 2021 સુધીનું ગહન અધ્યન કરી ધો.10ની સામાજિક વિજ્ઞાન વિષયની પ્રથમ અને દ્વિતીય સત્રની સ્વાધ્યાયપોથીનું નિર્માણ કર્યું છે.
જેમાં બોર્ડની પરીક્ષાલક્ષી બહુ વિકલ્પવાળા પ્રશ્નો, ખરા-ખોટા, ખાલી જગ્યાઓ, એક-બે શબ્દોના જવાબોવાળા પ્રશ્નો, ટૂળનોંધ, જોડકાઓ, મોટા પ્રશ્નો વગેરે આવરી લીધાં છે. તેમજ દરેક પાઠની શરૂઆતમાં વીડિયોના ક્યુઆર કોડ મુક્યા છે. જેના વાંચન અને લખાણથી વિદ્યાર્થીઓના પરિણામમાં સુધારો જોવા મળી રહ્યો છે. ખાનગી પ્રકાશનની કિંમત ઊંચી છે તેવા સમયે શિક્ષકે રૂ.20 હજારથી વધુના ખર્ચે સ્વાધ્યાયપોથીનું નિર્માણ કરી છેલ્લા 3 વર્ષોથી શાળાના વિદ્યાર્થીઓને વિનામુલ્ય વિતરણ કરી છે. જેના પુનરાવર્તનથી વિદ્યાર્થીના ગુણમાં સતત વધારો થઈ રહ્યો છે.
સાથે શિક્ષકે વિદ્યાર્થીઓ સારી રીતે અભ્યાસ કરી શકે તે માટે અનેક શૈક્ષણિક સાધનો પણ વસાવી આપ્યા છે. શિક્ષણ ક્ષેત્રે કરેલી વિવિધ કામગીરી બદલ સુરેશભાઈને જિલ્લા, રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો તેમજ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ્સ પ્રાપ્ત થયેલા છે. ભૂતપૂર્વ વિદ્યાર્થી ઉન્નતી પરમારે જણાવ્યું કે, હું હળવદમાં ધો.11 સાયન્સમાં અભ્યાસ કરું છું.
ચુડામાં ધો.10માં અભ્યાસ કરતી હતી ત્યારે સામાજિક વિજ્ઞાન વિષયના ધોરીયાસાહેબે અમને તેના દ્વારા નિર્માણ કરેલ પ્રથમ અને દ્વિતીય સત્રની સ્વાધ્યાયપોથી આપેલ. તેનો અભ્યાસ કરી હું ધો.10ની 2022ની બોર્ડની પરીક્ષામાં સામાજિક વિજ્ઞાન વિષયમાં 100માંથી 98 ગુણ પ્રાપ્ત કરી શકું હતી જે આ બુકને આભારી છે. તે બદલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.