રહીશોમાં રોષ:કંટાળેલા લોકોએ ગ્રામ, તાલુકા પંચાયત કચેરીએ ‘મુરદાબાદ’ના નારા લગાવ્યા

ચુડા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચુડાના ગુલાબનગરમાં ગટરની સફાઈ નહીં થતાં રહીશોમાં રોષ
  • ગટર સફાઈનું કામ હાથ નહીં ધરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી

ચુડાના ગુલાબનગર વિસ્તારમાં ગટરની સફાઈ નહીં કરતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો ગ્રામ અને તાલુકા પંચાયત કચેરીએ દોડી આવ્યા હતા. ગટરની સફાઈ હાથ નહીં ધરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ચુડા શહેરના ગુલાબનગર વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ગટરની સફાઈ નહીં થતાં રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. સફાઈ નહીં થતાં ગટરનું ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી રસ્તાઓ ઉપર ફરી વળતા રાહદારીઓને ચાલવું મુશ્કેલ બની ગયું છે. ગંદુ પાણીના નિકાલની વ્યવસ્થા નહીં હોવાથી વિસ્તારમાં નર્કાગાર જેવી સ્થિતિ ઊભી થઈ છે.

ગટરના ગંદા પાણી અને દુર્ગંધથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો તાલુકા પંચાયત કચેરીએ દોડી આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા લોકોએ ગટરની સફાઈ કરવા માટે કોઈ પગલાં નહીં ભરનાર ગ્રામ અને તાલુકા પંચાયતના મુરદાબાદના નારા લગાવ્યા હતા. આ અંગે ચુડાના સરપંચ કનૈયાલાલ વાણીયાએ જણાવ્યું હતું કે ગટરની પેનલ બળી ગઈ છે. જેના કારણે ગટરની સફાઈ કરવી મુશ્કેલ છે.

ગામમાં વેરાની વસૂલાત પૂરતા પ્રમાણમાં થતી નથી. 1 કરોડથી વધુ વેરો બાકી છે તેની સામે 2 મહિનામાં ઉઘરાણી કરી તો લોકોએ 3 લાખનો વેરો ભર્યો હતો. એમાંથી 2.80 લાખથી વધુનો તો પગાર જ ચૂકવવો પડે છે. છતાં આ પ્રશ્નને લઈને અમે કંપની પાસે ગયા પણ હતા. કંપનીએ ગટર મેન્ટેનન્સ ખર્ચ વર્ષે 5 લાખનો આપ્યો છે. આ ખર્ચ કરી શકીએ તેવી સ્થિતિમાં અમે નથી. ચુડા ગ્રામ પંચાયતની 12 સાંધીએ ત્યાં 13 તૂટે એવી સ્થિતિ ઊભી થઈ છે.

અન્ય સમાચારો પણ છે...