છેડતી:ચુડામાં લગ્નની ફોટોગ્રાફી કરવા આવેલા શખસે મહિલાની છેડતી કરી

ચુડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચુડા શુક્લ શેરીમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં ફોટોગ્રાફી કરવા આવેલા શખસે મહિલાના બિભત્સ ચેનચાળા કરતા ચકચાર મચી જવા પામી છે. ભોગ બનનાર પરિણીતાએ છેડતી કરનાર ફોટોગ્રાફર સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહિલાની છેડતી કરનાર શખસની શોધખોળ હાથ ધરી છે. ચુડા શહેરના શુક્લ શેરીમાં તા.9 ડિસેમ્બરના રોજ 2 સગી બહેનોના લગ્નનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો. લગ્ન કરી રહેલી બન્ને બહેનો ફોટા પડાવવા ફોટોગ્રાફર દિલીપ નાનુભાઈ પરમાર સાથે પાડોશીના ઘરે ગઈ હતી. પાડોશી મહિલા ઘરે એકલા હાજર હતા.

ફોટોગ્રાફીનું કામ પૂર્ણ થતાં બન્ને બહેનો પોતાના ઘરે જતી રહી. પાડોશી મહિલા પણ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહી હતી ત્યારે ફોટોગ્રાફર દિલીપ પરમાર તેમના ઘરે આવી પહોંચ્યો હતો. દિલીપ પરમારે પરિણીત મહિલાને પીવાનું પાણી આપવા કહ્યું હતું. મહિલાએ ગ્લાસમાં પાણી આપ્યું ત્યારે દિલીપે તેમના હાથ ઉપર આંગળીઓ ફેરવી હતી. મહિલાએ ઝડપથી હાથ પાછો ખેંચી લીધો હતો.

પાણી પીને દિલીપે મહિલાને ગ્લાસ પરત આપ્યો હતો. મહિલા રસોડામાં ગ્લાસ મૂકી પરત ફરી રહ્યા હતા ત્યારે દિલીપ તેમની પાછળ ઊભો હતો. દિલીપે મહિલાને બથ ભરી તેના પગ ઉપર પગ મૂક્યો હતો. મહિલાએ પ્રતિકાર કરતા દિલીપે તેને ધક્કો માર્યો હતો. મહિલા રડવા લાગતાં ફોટોગ્રાફર દિલીપ ત્યાંથી ભાગી ગયો હતો. પરિણીતાએ બનાવ અંગે પતિ અને પાડોશીઓને જાણ કરી હતી. મહિલાએ બિભત્સ ચેનચાળા કરનાર ફોટોગ્રાફર દિલીપ નાનુભાઈ પરમાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ અંગે પોલીસે મહિલાની છેડતી કરનાર શખસની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...