હત્યા:3 શખસે લૂંટી યુવાનને મારી નાખી મૃતદેહ કેનાલમાં વહાવી દીધો હતો

ચુડા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચુડાના મીણાપુરની કેનાલમાં ડૂબેલા યુવકે આત્મહત્યા નહોતી કરી! તેની હત્યા કરાઈ હતી

ચુડા તાલુકાના મીણાપુર ગામના વિઠ્ઠલભાઈ રાયસંગભાઈ ઘોડકિયાના મોબાઈલ પર ફોન આવતા તેઓ 10 સપ્ટેમ્બરે સાંજે ઘરેથી 35000 રૂપિયા અને બાઈક લઈને ઘરેથી નીકળી ગયા હતા. બીજા દિવસે ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ તેમની શોધ હાથ ધરી હતી. વિઠ્ઠલભાઈનું બાઈક બોટાદ જતી નર્મદા કેનાલ પાસેથી મળ્યું હતું. તંત્રે કેનાલનું પાણી બંધ કરાવી શોધ હાથ ધરી તો તા.12ના રોજ કેનાલમાંથી તેમનો મોબાઈલ મળ્યો પરંતુ વિઠ્ઠલની કોઈ ભાળ મળી નહોતી.

3 ઓક્ટોબરે રાણપુર તાલુકાના કેરિયા ગામથી પસાર થતી કેનાલના સાઈફનમાંથી કોહવાઈ ગયેલી હાલતમાં એક મૃતદેહ મળ્યો હતો. મૃતદેહના પેન્ટના ખિચ્ચામાંથી પ્લાસ્ટિકની કોથળીમાં રાખેલા 500 રૂ.ની નોટ અને વાદળી રંગનું ગેસ લાઈટર મળી આવ્યું હતું. તેના પરથી પરિવારજનોએ મૃતદેહ વિઠ્ઠલભાઈનો હોવાનું ઓળખી બતાવ્યું હતું.

રાણપુર સીએચસીમાં પીએમ કર્યા બાદ વિઠ્ઠલભાઈના મૃતદેહને પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. મૃતકના ભાઈ દિનેશે જે દિવસે વિઠ્ઠલભાઈ ગુમ થયા હતા તે રાત્રે ટીના અરજણ ગાબુ, મહેશ જેસીંગ ધાડવીને કેનાલ પાસે જોયા હતા. બન્નેને વિઠ્ઠલ અંગે પૂછતાં તેમને સંતોષકારક જવાબ આપ્યો નહોતો. જે હાલતમાં વિઠ્ઠલનો મૃતદેહ મળ્યો હતો તેને જોતા લાગતું હતું કે તેમની હત્યા કરી મૃતદેહને પાણીમાં વહાવી દેવામાં આવ્યો છે.

મૃતકના ભાઈ કુકાભાઈએ ગામના શખસોએ વિઠ્ઠલની હત્યા કરી હોવાનો શક જાહેર કરી ચુડા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે એફઆઈઆર દાખલ કરી નહોતી. આથી કુકાભાઈએ ચુડા કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. કોર્ટે 15 ઓક્ટોબરે પોલીસને તપાસ કરી એફઆઈઆર નોંધવા સૂચના આપતા પોલીસે તપાસ બાદ 7 નવેમ્બરે દલસુખ ગાબુ, મહેશ ગાબુ, ટીના ગાબુ સામે વિઠ્ઠલભાઈ પાસેથી રૂ.35,000 લૂંટી હત્યાની ફરિયાદ દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...