ચોટીલા તાલુકામાં 40 જેટલા ગામોમાં અનિયમિત સપ્લાય થતા પાણીનાં જથ્થાને કારણે લોકોને મોટી મુશ્કેલી પડે છે. જો એક સપ્તાહમાં મુશ્કેલી નિવારણ નહી થાય તો આપ દ્વારા આંદોલન કરાશે તેવી લેખિત ચીમકી સાથે ખાલી માટલા ભેટધરીને ઉગ્ર રજૂઆત મામલતદાર કચેરી ખાતે કરવામાં આવી છે.
આમ આદમીનાં રાજુભાઇ કરપડા, દેવકરણભાઇ જોગરાણા સહિતનાં કાર્યકરોએ ખાલી માટલા સાથે સુત્રોચ્ચાર કરી ચોટીલા મામલતદાર કચેરી ગજવી ગ્રામ્ય વિસ્તારનાં પીવાનાં પાણીનાં પ્રશ્ર્ને ઉગ્ર રજૂઆત કરી છે અધિકારીને સંબોધી આપેલ આવેદનમાં જણાવ્યુ છે કે 40 થી વધુ ગામોમાં પીવાનું પાણી સમયસર ન આવતું હોવાથી લોકોને મીઠા પીવાના પાણીની મુશ્કેલી ઉભી થાય છે. બહેન દિકરીઓ અને માતાઓને ગામથી દૂર વાડી વિસ્તારમાં પાણી ભરવા માટે જવું પડે છે. એક તો અપુરતા વરસાદને કારણે અનેક કુવાઓ તળાવો ખાલીખમ છે.
ત્યારે વાડી વિસ્તારમાં બોરમાં પણ ખારા મોળા પાણી આવે છે જેથી મીઠા પાણી માટે લોકોને દરદર ભટકવું પડે છે. વિસ્તારમાં પાણી સમસ્યા ને કારણે મોટી મુશ્કેલી લોકોને વેઠવી પડે છે. નર્મદાની લાઇન છે પણ પાણી ગામડા સુધી નિયમિત પહોચતુ નથી. પાણી સમયસર મળે તેવી માગણી કરી છે.
તંત્રને અલ્ટીમેટમ આપેલુ છે કે 8 દિવસમાં પાણી પુરૂ પાડવામાં નહીં આવે તો મહિલાઓ તથા સ્થાનિક ગ્રામજનો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. ચોટીલા પંથકનાં અનેક ગામડાઓમાં મોટી પાણીની સમસ્યા હલ કરવા અગાવ ધારાસભ્ય દ્વારા પણ બેઠક બોલાવી તંત્રને ટકોર કરેલી છે. પાઇપ લાઇન જે તે વિસ્તારમાંથી પસાર થઈને આવે છે તેમા મોટી પાણી ચોરી થતી હોવાની બૂમરાણ છે. ચેકીંગ દરમિયાન ગેરકાયદે કનેક્શન પણ પકડાયા હતા. પરંતું કોઇ કારણોસર આ પંથકમાં રેગ્યુલર પાણી પહોંચાડવામાં તંત્ર સફળ થયેલુ નથી તે વાસ્તવિકતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.