ચોટીલા યાત્રાધામ ખાતે પીઆઇ તરીકે મહિલા અધિકારીની નિમણૂંક થતા પ્રથમ દિવસે જ ચાર્જ સંભાળી શહેરની ટ્રાફિક વ્યવસ્થા ઉપર પ્રાધાન્ય આપ્યુ હતુ. ગુરૂવારનાં દિવસે જ ચાર્જ સંભાળી પીએસઆઈ એમ.કે.ગોસાઇ, કાશીબેન, પોલીસ સ્ટાફ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો સાથે ફુટ પેટ્રોલીંગ હાથ ધર્યુ હતુ. શહેરમાં મેઇન બજાર, ખાંડી પ્લોટ, આણંદપુર રોડ સહિતના વિસ્તારોમાં આડેધડ પાર્ક થતા વાહનોને તાકિદ કરી હતી. તેમજ મેઇન બજારમાં દુકાનદાર વેપારીઓને દુકાન આગળ પાર્ક થતા વાહનો અન્યત્ર પાર્ક કરી મુખ્ય બજારનો રસ્તાઓ ક્લીયર રાખવા સુચના આપી હતી.
ફૂટ પેટ્રોલિંગ દરમિયાન જરૂરીયાત જણાઇ તેવા વાહનોને મેમા પણ આપવામાં આવ્યા હતા. આ અંગે મહિલા પીઆઇએ જણાવ્યું હતું કે સર્વ પ્રથમ ટ્રાફિક સમસ્યા હલ કરવાનો પ્રયાસ શરૂ કર્યો છે. તેમજ શહેર અને તાલુકામાં કાયદો વ્યવસ્થા વધુ સઘન બનાવવા આગામી દિવસોમાં જુદા જુદા સામાજીક સંગઠનો સંસ્થાઓ સાથે બેઠક કરી સુચનો મેળવી સાથેના સક્ષમ અધિકારીઓ અને ટીમ સાથે કામગીરી હાથ ધરવામાં આવશે. ખાસ સાઇબર ક્રાઇમ અને મહિલાને લગતા ગુનાઓ ઘટાડવા એક અલગથી અવેરનેસ ઝૂંબેશ રાખવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.