ચોટીલાનાં ગોલીડા ગામની પ્રાથમિક શાળામાં આજે ગ્રામજનોએ તાળાબંધી કરી શિક્ષણનો બહિષ્કાર કર્યો હતો. આ સાથે અનેક આક્ષેપો સાથે આચાર્યની બદલીની માગ કરતા ચકચાર ફેલાઇ છે.ચોટીલાના ગોલીડા ગામની પ્રાથમિક શાળામાં અનેક અસુવિધાઓ જૂના બિલ્ડિંગનાં અનેક ઓરડાઓ જર્જરિત છે. કમ્પાઉન્ડ વોલની દીવાલ પડી ગઇ છે. આ શાળામાં ટોયલેટ યુરીનલની ખૂબ જ ખરાબ હાલત છે. જેના કારણે અનેક વખત વિદ્યાર્થીઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાય છે. ચારે તરફ ઘાસ ઉગી ગયેલ છે. જીવજંતુ અને જર્જરિત બાંધકામ પડવાનો સતત ભય સતાવે તેવી સ્થિતિ છે.
સ્થાનિક લોકોએ આચાર્ય સામે અનેક આક્ષેપો કર્યા છે. જેમાં વર્તન અને સંચાલન યોગ્ય નથી. ગામ લોકો અને વાલીઓ સાથે વ્યવહાર યોગ્ય નથી. શાળા સમિતિને વિશ્વાસમાં લેવાતી નથી, શાળામાં કોઇ વિકાસનાં કામો થયા નથી, ગ્રાન્ટો પાછી જાય છે, વાલીઓ સાથે પણ ગેરવર્તન કરે છે. વિદ્યાર્થીઓ પાસે અન્ય કામો કરાવે છે, સ્ટાફમાં પણ નારાજગી છે.
જેથી બાળકોનાં શિક્ષણ પર ખરાબ અસર પડે છે. અનેક વખત શિક્ષણ વિભાગમાં લેખિત રજૂઆતો કરાઇ છે છતાં કોઇ પગલા લેવાતા નથી. તેથી આજે સામૂહિક રીતે ગામ લોકોએ શાળાને તાળાબંધી કરી હતી. આચાર્યની બદલી થાય પછી જ બાળકોને શાળાએ મોકલવાની જાહેરાત કરી શિક્ષણ બહિષ્કારનું આંદોલન છેડતા ચકચાર મચેલ છે. આ અંગે આચાર્ય સાથે વાતચીત કરતા જણાવે છે કે તેઓ 5 વર્ષથી છે, સુરેન્દ્રનગર રહે છે અને અપડાઉન કરે છે. તેથી શાળાની ચાવી ગામનાં દુકાનદારને આપે છે. જે ગામ લોકોએ આજે મને શાળા ખોલવા આપવા નથી દીધી. મારા ઉપરીઓને મેં જાણ કરી છે અને રિપોર્ટ પણ કરવાનો છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.