ચોટીલાના ડુંગરાળ જાનીવડલા વીડી વિસ્તારમાં એક બાઇક સ્લીપ થઈ ખાઇમા પડતા અકસ્માત થયો હતો. જેમાં બાઇક સવારને ગંભીર ઇજા પહોચતા મોત નિપજ્યું હતુ.
નાળીયેરીના રહીશ મનસુખભાઇ ગોકળભાઇ મેર પોતાના પશુઓ જાનીવડલા વીડમાં ચારો ચરતા હોય પોતાનું બાઇક લઇને માલઢોર ચરાવવા જતા હતા. ત્યારે વીડમાં આવેલી સાત હનુમાન પાસે ઝૂપડીવાળી ધાર પર બાઇક સ્લીપ થઈ ખાઇમા ફંગોળાતા ગંભીર ઇજા પહોચતા કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતુ.
ચોટીલા પંથકમાં વીડીનું ઘાસ પશુઓ માટે કુણું અને સારૂ હોવાને કારણે અનેક પશુપાલકો ડુંગરાળ વીડમાં ચારવા જતા હોય છે અને વીડીમાં બાઇક ચાલે તેવી કેડીઓ હોય છે. પરંતુ કાકરીવાળો રસ્તો નાળીયેરીના પશુપાલક માટે મૃત્યુનું કારણ બનતા આસપાસના પશુપાલકોમાં શોકની લાગણી ફેલાઇ છે. અકસ્માતની જાણ પોલીસને થતા સ્થળ પંચનામું કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.