ગ્રાઉન્ડ રિપોર:ખાલી તળાવ ને સૂકાં નાળાંમાંથી ઉમેદવારો મતની ગાગર ભરશે!

ચોટીલા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકારણમાં ચોટીલા બેઠકના મતદારોને રીઝવવા પાણીના નામે પ્રચાર શરૂ
  • ચોટીલા બેઠક પર કૉંગ્રેસે ધારાસભ્યને રીપીટ કર્યા છે, ભાજપે પૂર્વ ધારાસભ્યને અને ‘આપ’એ ખેડૂત આગેવાનને ઉતાર્યા છે

ચોટીલા... મા ચામુંડાનું ધામ અને સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટનું પ્રવેશદ્વાર. ચોટીલા, થાનગઢ અને મૂળી, એમ 3 તાલુકાની 2 નગરપાલિકા અને 159 ગામને સમાવતો મતવિસ્તાર જિલ્લાના રાજકારણમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે છતાં પાણીની સમસ્યા વિકટ છે. મહિલાઓને બેડાં લઈને દૂર સુધી પાણી ભરવા જવું પડે છે.

અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ પાણી માટે મહિલાઓને રઝળવું પડે છે

ભાજપ-કૉંગ્રેસના ઉમેદવારોમાં કોળી મતો વહેંચાવાની શક્યતા, ખેડૂતો આપમાં વાવેતર કરે તો નવાઈ નહીં

બીજું, ચોટીલા વિધાનસભા મતવિસ્તાર આમ જોવા જઈએ તો ઝાલાવાડનાં પ્રખ્યાત ધાર્મિક સ્થળોથી ભર્યોભર્યો છે. અહીં મા ચામુંડાના ડાકલા વાગે છે તો તરણેતરના મેળા ભરાય છે. એક તરફ વાસુકિ દાદા પ્રત્યક્ષ છે તો બીજી તરફ માંડવરાયજી સાક્ષાત્ છે. આમ છતાં ધાર્મિક પ્રવાસન પ્રવૃત્તિ નહીં જેવી છે.

જિલ્લા ભાજપ અને જિલ્લા કૉંગ્રેસની સાથેસાથે જિલ્લા પંચાયતમાં પણ ચોટીલાનું પ્રભુત્વ છે. જિલ્લા ભાજપના વર્તમાન કાર્યકારી પ્રમુખ, 2 ઉપપ્રમુખ, મહામંત્રી અને મહિલા મંત્રી ચોટીલાના છે. સામે, કૉંગ્રેસમાં ખુદ ઋત્વિક મકવાણા પ્રદેશના કાર્યકારી પ્રમુખ છે. એટલું જ નહીં, જિલ્લા ડેરી સંઘના ડૅપ્યુટી ચૅરમૅન પણ ચોટીલાના છે. આમ છતાં અહીં વિકાસનાં ચઢાણ કપરાં છે.

આ સ્થિતિ વચ્ચે 3 રાષ્ટ્રીય અને આપ સહિત 4 પક્ષો સાથે 9 ઉમેદવાર ધારાસભ્ય બનવા માટે મેદાનમાં ઊતર્યા છે. સૌથી વધુ ચોટીલાનાં 82, થાનગઢનાં 29 અને મૂળીનાં 58 ગામનાં કુલ 2,61,652 મતદારોનો સમાવેશ થાય છે. તમામ મોરચે મુખ્ય 3 પક્ષ લડાઈમાં હોવાનું પ્રચારપ્રસાર દ્વારા જોવા મળે છે જેમાં ભાજપે 2012માં જીતેલા શામજી ચૌહાણ ઉપર પસંદગી ઉતારી છે તો કૉંગ્રેસે 2017માં 23 હજારથી વધુ મતે જીતીને 5 વર્ષ સક્રિય રહેલા ઋત્વિક મકવાણાને રીપીટ કર્યા છે તો ‘આપ’એ ખેડૂતોના પ્રશ્ને લડાયકતા સાથે સક્રિય રહેલા રાજુ કરપડાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ અને કૉંગ્રેસે કોળી સમાજ ઉપર પસંદગી ઉતારી છે તો ‘આપ’એ કાઠી સમાજના શિક્ષિત ઉમેદવાર પસંદ કર્યા છે.

હાલ 3 મુખ્ય ઉમેદવારો દ્વારા પૂરા જોમજુસ્સા સાથે મતદારોને પોતાની તરફે પ્રભાવિત કરવા સિંચાઈનાં પાણીનો પ્રશ્ન મહત્ત્વનો બનાવાઈ રહ્યો છે. મુખ્ય 2 પક્ષો સામે આમ આદમી પાર્ટી સાથે નિર્ણાયક તબક્કામાં ખેડૂત વર્ગ ચાલે તો મુખ્ય બંને પાર્ટીઓનાં મતોને નુકસાન પહોચી શકે.

કુલ 308992 મતદારો સ્ત્રી મતદારો પુરુષ મતદારો 1,37,358 1,24,285

બુથની સંખ્યા શહેરી વિસ્તાર79 ગ્રામ્ય વિસ્તાર 250 કુલ બુથ329

જ્ઞાતિમતદારો
તળપદા-ચુંવાળિયા કોળી1,23,000
માલધારી, રબારી, ભરવાડ29,000
દલિત22,000
ક્ષત્રીય11,700
કાઠી દરબાર8000
પાટીદાર8780
રજપૂત, પ્રજાપતિ, સથવારા/દલવાડી19,000
સાધુ મહારાજ4860
મુસ્લિમ4885
દેવીપૂજક4762

તંત્ર કેટલું સજ્જ? મતદાન માટે 2000 જેટલા કર્મચારીઓ સાથે 206 બિલ્ડિંગમાં 301 બુથ તૈયાર કરાયાં છે, જેમાં 123 ક્રિટિકલ બુથ પર શાંતિમય વાતાવરણમાં મતદાન કરાવવા જહેમત ઉઠાવી રહેલ છે. ખાસ 7 સખી બુથ સાથે 1 ઇકો ફ્રેન્ડલી અને 1 આદર્શ મોડેલ બુથનું આયોજન કરાયું છે તેમજ 50 % જેટલાં બુથો ઉપર લાઇવ રેકોર્ડિંગ પણ કરાશે.

એક માત્ર સિરામિક ઉદ્યોગ થાનમાં, ચોટીલા-મૂળીમાં ખેતી, પશુપાલન મુખ્ય
આ મતવિસ્તારના લોકો ખેતીવાડી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. થાનગઢમાં એક માત્ર સિરામિક ઉદ્યોગ છે. વીજળી, પાણી, રસ્તા સાથે ખૂબ મહત્ત્વની પાણી સમસ્યા, આરોગ્ય સુવિધા, ઉચ્ચ શિક્ષણ સાથે રોજગારીની સમસ્યા છે જેમાં ચોટીલા અને મુળી વિસ્તારમાં કોઈ મોટા ઉદ્યોગો નથી તેમજ ચોટીલા તાલુકાની ખેતી પણ મોટા ભાગની વરસાદ આધારિત છે, જેથી લોકોને રોજગારી માટે અન્યત્ર દોડવું પડે છે.

ઝાલાવાડનાં મોટા ભાગનાં ધર્મસ્થાનો ચોટીલા પ્રદેશમાં છતાં પ્રવાસન શૂન્ય
પ્રવાસન ક્ષેત્રે ખૂબ વિકાસ શક્ય છે પરંતુ કોઈ કારણસર થયો નથી. ચામુડા માતાજી, વાસુકિ દાદા, તરણેતર, માંડવરાયજી જેવાં અનેક યાત્રાધામ સાથે માંડવ વન જેવા અનેક વિસ્તારો છે. વર્ષો પહેલાં ચામુંડા તળેટીમાં ભક્તિ વન બન્યું હતું તો 5 વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે આર્ટ્સની સરકારી કૉલેજ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં હાઈસ્કૂલ અને થોડા અંશે રસ્તા અને બોક્સ પુલ બન્યા છે. બાકી પંથક ખૂબ જ અલ્પવિકસિત જ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...