રજુઆત:ચોટીલા-મૂળી-સાયલા તલાટીઓની વિવિધ માંગણીને લઇ આવેદનો અપાયા

ચોટીલા/મૂળી/સાયલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆતો છતાં ઉકેલ નહીં, મનરેગાના તમામ કામોમાં તલાટી મંત્રીઅો સહીઓ નહીં કરે

સુરેન્દ્રનગર જિલ્લામાં તલાટીઓની વિવિધ પ્રશ્નોને લઇને ચોટીલા, મૂળી, સાયલામાં આવેદનપત્રો આપવામાં આવ્યા હતા. સરકાર દ્વારા હકારાત્મક નિરાકરણ લાવવા ભલામણ કરવાની લાગણી સાથે માગણી કરી હતી. ચોટીલા તાલુકા તલાટી મંડળે સરકાર સામે મહામંડળના આદેશથી આદરેલા તબ્બકાવાર લડતમાં ગુરૂવારનાં તાલુકા વિકાસ અધિકારી, મામલતદારને આવેદનપત્ર આપી તેઓની માગણીના હકારાત્મક નિરાકરણ માટે સરકારમા ભલામણ કરવા રજૂઆત કરી હતી.

તાલુકા મંડળના પ્રમુખ બી.એમ. પરમાર, મહામંત્રી પરબતસિંહ પરમારની આગેવાની હેઠળ તલાટીઓએ સામૂહિક રીતે ટીડીઓ અને મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે રાજ્ય મહામંડળ રાજ્ય સરકારને તા. 7-9 ના, જિલ્લા મંડળે તા. 17-9 ના પાઠવેલા આવેદન અનુસંધાને તલાટી કમ મંત્રી કેડરના સરકારમાં પડતર પ્રશ્નો બાબતે વારંવારની રજૂઆતો કરવા છતા કોઇ સુખદ ઉકેલ નહી આવતા તા. 15-9ના આદેશ મુજબ ભારત સરકારની મનરેગા યોજનાલક્ષી ગાઇડલાઇનમાં અપાયેલ સૂચના અનુસરતા રાજ્ય મહામંડળ દ્વારા આદેશ કરાયેલા છે કે મનરેગા યોજનામાં ચાલતા સામૂહિક, વ્યક્તિગત કામના ઓનલાઇન મસ્ટર, કામના ફોટા, કે કામ નિયમ મુજબ પૂર્ણ થયાના પ્રમાણપત્રમાં તલાટી મંત્રીએ સહી નહીં કરવી. આવેદનમાં કરાયેલી રજૂઆત અને તલાટી મંડળની માગણી અને સરકારમાં રહેલા પડતર પ્રશ્નો અંગે સરકાર દ્વારા હકારાત્મક નિરાકરણ લાવવા ભલામણ કરવાની માગણી કરેલી છે.

મૂળી: મૂળી સહિત સમગ્ર ઝાલાવાડમાં તલાટીકમ મંત્રી તરીકે ફરજ કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ માંગણીઓ કરવામાં આવી છે. મૂળી તાલુકા તલાટી મંડળ દ્વારા અગાઉ જિલ્લાકક્ષાએ રજૂઆત કરી સરકારી સોશિયલ મિડિયા ગ્રુપમાંથી નીકળી વિરોધ નોંધાવ્યો હતો. ગુરુવારે મૂળી તાલુકા વિકાસ અધિકારી કલ્પેશદાન ગઢવીને આવેદન આપ્યું હતું. માંગણી નહી સંતોષાય તો વિવિધ કાર્યક્રમો કરવાની ચમકી ઉચ્ચારી હતી. આ પ્રંસંગે મંડળના પ્રમુખ મુનાભાઇ પરમાર, તલાટી પૃથ્વીરાજસિંહ પરમાર, પદુભા ચુડાસમા સહિતના ઉપસ્થિતિ રહ્યા હતા.

સાયલા: સાયલા એટીડીઓ ભાવીનભાઇ મકવાણાને નિતનભાઇ ગોલાણી, વિરમભાઇ લોહ, સંજયસિંહ, જયરાજસિંહ સોલંકી, જીતેન્દ્કુમાર વૈષ્ણવ સહિતના તલાટીઓએ આવેદન આપીને તબકકાવાર કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી. 13 સપ્ટેમ્બરે સાયલા તાલુકાના તમામ તલાટી મંત્રી વોટસઅપ ગૃપમાંથી બહાર નીકળી ગયા હતા. પ્રમુખ વિક્રમસિંહ રાઠોડના જણાવ્યા મુજબ તલાટીની પોતાની ફરજ, કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...