ચોટીલા ખાતે કાર્યરત સબ રજિસ્ટ્રાર કચેરીની કામગીરી ટેક્નિકલ ફોલ્ટમાં સપ્તાહ ઠપ્પ રહેતા લોકોને ધરમ ધક્કા થતા હતા. ત્યારે ભાસ્કરના અહેવાલ બાદ બુધવારે કામગીરી પૂર્વવત્ થઇ હતી. આથી અટવાઇ પડેલા 38 જેટલા દસ્તાવેજો રજિસ્ટર થતા કચેરી સમય બાદ પણ કામગીરી શરૂ રહી હતી.
ચોટીલમામાં ગત બુધવારનાં કોઇ કારણોસર રજિસ્ટ્રાર કચેરીની કનેક્ટિવિટી જાળવતા સર્વરમાં ફોલ્ટ સર્જાતા કચેરીની કામગીરી ઠપ્પ થઈ ગઇ હતી. જેના કારણે લોકોને ધરમધક્કા ખાવા પડી રહ્યા હતા. આ અંગે ભાસ્કરના અહેવાલ બાદ તંત્ર દ્વારા તાત્કાલિક સ્વિચ પોગ્રામિંગ કરી ઈન્સ્ટોલેશન કરાતા બુધવારના રજિસ્ટાર કચેરી પૂર્વવત્ થઇ હતી. એક સપ્તાહ દરમિયાન ભાડા કરાર, દસ્તાવેજો, બાનાખત કરાર સહિતની રજિસ્ટર કરવાની કામગીરીને મોટી અસર પહોચી હતી અને તમામ કામગીરી ઠપ્પ થઈ ગઇ હતી.
આ ફોલ્ટના નિવારણ આવ્યા બાદ એક સાથે 38 જેટલા રજિસ્ટ્રેશન નોંધાતા કચેરીના અધિકારી સહિત કર્મચારીઓ રાત્રી 8 કલાક સુધી કામગીરી માટે ફરજ બજાવતા જોવા મળ્યા હતા. આમ ટેક્નિકલ ફોલ્ટને કારણે સબ રજિસ્ટ્રાર કચેરી ઠપ્પ હોવાના અહેવાલ બાદ પૂર્વવત્ થતા લોકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.